Airtel: સાંસ્કૃતિક તણાવ વચ્ચે સુનિલ મિત્તલનો મોટા પાયે રોકાણનો દાવ
Airtel ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સમયગાળામાં, ભારતી એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ અને ટેલિકોમ જાયન્ટ એરટેલના સ્થાપક સુનિલ મિત્તલે એક મહત્વપૂર્ણ વ્યાપારિક નિર્ણય લીધો છે. તેઓ ચીનની જાણીતી હાયર સ્માર્ટ હોમ કંપનીના ભારતીય યુનિટમાં 49 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. આ સોદો આશરે 2 બિલિયન ડોલર એટલે કે રૂ. 17,000 કરોડનો છે.
આ ડીલ માટે મિત્તલને ખાનગી ઇક્વિટી ફર્મ વોરબર્ગ પિંકસનો સહયોગ મળ્યો છે અને આશા છે કે આગામી અઠવાડિયામાં આ સોદો પૂર્ણ થશે. જો કે, સૂત્રોના કહેવા મુજબ, હાયર પોતાનો મોટો હિસ્સો વેચવા માટે ઇચ્છુક નથી અને ખરીદદારો વચ્ચે હજી પણ સ્પર્ધા ચાલી રહી છે.
આ ડીલમાં સુનિલ મિત્તલ સિવાય પણ અન્ય મોટી કંપનીઓ જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (મુકેશ અંબાણી), વૈશ્વિક ઇક્વિટી ફર્મ TPG કેપિટલ, સિંગાપોરનું GIC અને ડાબર તથા ગોએન્કા પરિવાર પણ રસ દાખવી રહ્યા છે.
હાયર સ્માર્ટ હોમ કંપની ભારતમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી અને ટીવી જેવા ઉપકરણો વેચે છે. વર્ષ 2024માં કંપનીએ રૂ. 8,900 કરોડની આવક નોંધાવી હતી, જેમાં 36%નો વધારો નોંધાયો હતો. હવે કંપનીએ 2025 માટે રૂ. 11,500 કરોડનો લક્ષ્યાંક મૂક્યો છે. બજારમાં LG અને સેમસંગ પછી હાયર ત્રીજા ક્રમે છે.
જ્યારે દેશની રાજકીય પરિસ્થિતિમાં તણાવ છે ત્યારે મિત્તલનું આ વ્યાપારિક પગલું ભારત-ચીન બિઝનેસ સંબંધોની નવી દિશા તરફ સંકેત આપી શકે છે. રોકાણકારો અને ઉદ્યોગવિશ્વે આ નિર્ણય પર નજીકથી નજર રાખી છે, કારણ કે આ ડીલ ઘરેલુ કન્ઝ્યૂમર ડ્યુરેબલ માર્કેટમાં મોટી હલચલ લાવી શકે છે.