કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી નિપાહ વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આવી બીમારી અન્ય રાજ્યમાં ન ફેલાય તે હેતુથી દિલ્હી તેમજ એનસીઆરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્રેનમાં આવતા મુસાફરો દ્વારા આવી બીમારીનો વ્યાપ ન વધે તે માટે રેલવેએ તેના તબીબોને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. દરમિયાન આ અંગે ડો. વલીએ જણાવ્યુ છે કે નિપાહ વાઈરસ ઝડપથી ફેલાય છે અને મગજમાં ચઢી જાય તો તે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. તેથી આવી બીમારીને આગળ વધતી રોકવા સ્વચ્છતા રાખવી જરૂરી છે, જેમાં વારંવાર હાથ-પગ ધોવા તેમજ બહારથી ઘરમાં ગયા બાદ હાથ કે પગ ધોયા વિના કોઈ ચીજને સ્પર્શ ન કરવો અને જો આવી બીમારીનાં કોઈ લક્ષણ જોવા મળે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો. આ ઉપરાંત ખાંસી કે વારંવાર છીંક ખાતા લોકોથી દૂર રહેવું જોઈએ, જોકે હાલ દિલ્હીવાસીઓએ આ બાબતથી ગભરાવાની જરૂર નથી પણ આવી બીમારી અંગે સતર્કતા દાખવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજસ્થાનના આરોગ્ય પ્રધાન કાલીચરણ સર્રાફે પણ રાજ્યમાં નિપાહ વાઈરસને અટકાવવા ખાસ સતર્કતા રાખવા આદેશ આપ્યો છે, કારણ કેરળમાં રાજસ્થાનના અનેક લોકો રહે છે અને તેઓ અવારનવાર રાજસ્થાન આવતા-જતા રહે છે. તેથી આવા લોકો દ્વારા આવી બીમારી રાજસ્થાનમાં ન ફેલાય તે માટે ખાસ સતર્કતા દાખવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે તેમજ લોકોને કેરળના ચાર જિલ્લામાં ન જવા અપીલ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના એક શહેરમાં સ્કૂલના પ્રાંગણમાં આવેલા એક ઝાડ પર રહેતાં ચામાચીડિયાંના એકાએક મોત થતાં વિસ્તારમાં સંભવિત નિપાહનો વાઈરસ ન ફેલાય તે માટે ખાસ સતર્કતા રાખવા તંત્રએ આદેશ આપ્યો છે. હાલ કેરળમાં આ વાઈરસથી અત્યાર સુધીમાં ૧૦ લોકોનાં મોત થયાં છે. તેથી હિમાચલમાં પણ ચામાચીડિયાંના મોતથી આવો વાઈરસ ફેલાય તેવી દહેશત સેવાઈ રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.