સુરતની વરાછામાં આવેલી પી.પી. સવાણી અબ્રામા સ્કૂલની ધો. 10 માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ વૈદેહી વેકરીયા અને રાધીકા લખાણીએ સ્પેશ સુરત એજન્સીના માર્ગદર્શન હેઠળ નાસા સાથે જોડાયેલા ‘સ્પેસ એન્ડ ઓલ ઇન્ડિયા એસ્ટ્રોઇડ સર્ચ’ કેમ્પઇન અંતર્ગત એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો છે, જે ભવિષ્યમાં પૃથ્વી પરથી પસાર થઈ શકે છે. આ કેમ્પેઇનમાં વિદ્યાર્થીઓને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા માટેનું એક મિશન આપવામાં આવ્યું હતું, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી 100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ બે વિદ્યાર્થીઓએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો હતો, જેની નાસાએ પણ સ્વીકૃતિ આપી છે. આ બંને ગુજરાતની પહેલી વિદ્યાર્થીનીઓ છે જેમણે આ પ્રકારનો પરિભ્રમણ કરતો એસ્ટ્રોઇડ શોધી કાઢવામાં સફળતા મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે.
નાસા દ્વારા મળેલા ડેટા પર એક મહીના સુધી એનાલિસિસ કરીને એસ્ટ્રોઈડ સુધી પોહંચ્યા
સ્પેશ સુરત એજન્સીના માર્ગદર્શન હેઠળ એક મહીનાની મેહનત બાદ આ બંને વિદ્યાર્થીનીઓએ એસ્ટ્રોઈડની શોધ કરી છે. સ્પેશ સુરતના સિનિયર એજ્યુકેટર આકાશ દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ તેમણે આ સિધ્ધી મેળવી છે. સુરતની ‘સ્પેશ સુરત’ એજન્સીએ નાસા સાથે કોલોબ્રેશન કર્યું છે. જેમાં એસ્ટ્રોમેટ્રીકા સોફ્ટવેરની મદદથી તેમણે આ એસ્ટ્રોઈડ શોધી કાઢ્યો છે. એક મહીના સુધી અમેરીકાના હવાઈમાં આવેલા સૌથી વિશાળ હવાઈ કેલા ટેલિસ્કોપ મારફતે નાસા દ્વારા તેમને એક મહિના સુધી સ્કાય ફોર્મેટમાં ડેટા આપવામાં આવ્યા હતા. આ ડેટા પર તેમણે એક મહિના સુધી એનાલિસિસ કરીને એસ્ટ્રોઈડ શોધી કાઢ્યો છે.