રાજસ્થાનના કોટા જિલ્લામાં ઈ-કોમર્સ કંપની એમેઝોન ફરી એકવાર વિવાદમાં આવી છે. પોલીસે અહીં ભગવાન કૃષ્ણ અને રાધાની “વાંધાજનક” છબીઓ ધરાવતી ફ્રેમ્સ વેચીને ધાર્મિક લાગણીઓને ભડકાવવા બદલ ઈ-કોમર્સ કંપની એમેઝોન સામે કેસ નોંધ્યો છે.
જમણેરી હિંદુ સંગઠન બજરંગ દળ દ્વારા બુધવારે કંપની વિરુદ્ધ વિરોધ રેલી કાઢવામાં આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. જવાહર નગર પોલીસ સ્ટેશનના SHO વાસુદેવે ગુરુવારે જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A) હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.”
તેમણે કહ્યું કે બજરંગ દળના પ્રાંતીય સંયોજક યોગેશ રેનવાલની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. રેનવાલે કહ્યું કે એફઆઈઆરમાં આઈપીસીની કલમ 153A ઉમેરવી જોઈએ કારણ કે ફોટો ફ્રેમના વેચાણનો હેતુ હિંસા ભડકાવવાનો છે.