એક સમયે દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગણાતા અનિલ અંબાણી હાલ દેવાનાં સંકટનો સામનો કરી રહ્યા છે, હવે તેમણે પોતાની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડની પ્રોપર્ટીઓ વેચવાનો નિર્ણય લીધો છે, તાજેતરમાં જ કંપની ડિબેન્ચર હોલ્ડર્સ અને અન્ય લોનદાતાઓને લોનની ચુકવણી કરવામાં ડિફોલ્ટર સાબિત થઇ હતી, ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કંપની દેશની ટોચની 5 પ્રાઇવેટ વિમા કંપનીઓ પૈકીની એક
કંપની જે એસેટ્સ વેચવાની છે તેમાં રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ હેલ્થ, અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનાં સંપુર્ણ હિસ્સાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત Reliance Nippon Life Insuranceમાં પણ કંપનીનો 49 ટકાનો હિસ્સો છે, તેમાં પણ અનિલ અંબાણી પોતાનો હિસ્સો વેચવા માંગે છે. આ કંપની દેશની ટોચની 5 પ્રાઇવેટ વિમા કંપનીઓ પૈકીની એક છે.
રિલાયન્સ કેપિટલ પર ઇપીએફઓ અને LICનું મોટી રકમનું દેવું
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રિલાયન્સ કેપિટલ પર ઇપીએફઓ અને LICનું મોટી રકમનું દેવું છે, એકલા EPFOનું જ રિલાયન્સ કેપિટલ પર લગભગ 2500 કરોડનું બાકી દેવું છે, કરજદાતાઓએ એસબીઆઇ કેપ્સ અને જે એમ ફાયનાન્સિયલને અનિલ અંબાણીની કંપનીનો વીમા બિઝનેસ વેચવાની જવાબદારી સોંપી છે.
રિલાયન્સ કેપિટલ પર કુલ 19,806 કરોડ રૂપિયાનું દેવું
રિલાયન્સ કેપિટલ પર કુલ 19,806 કરોડ રૂપિયાનું દેવું છે, તેમાંથી 15,000 કરોડ રૂપિયાનું દેવું તો એકલા ડિબેન્ચર હોલ્ડરોનું જ છે, ડેબ્ટ રિઝોલ્યુશન પ્રોસેસને પુરી કરવા માટે ડિબેન્ચર હોલ્ડર્સની એક કમિટિની રચના કરવામાં આવી છે. તેમાં EPFO અને LICનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અનિલ અંબાણી ખરાબ રીતે દેવાનાં સંકટનો સામનો કરી રહ્યા છે, તાજેતરમાં જ એસબીઆઇ દ્વારા સુપ્રિમ કોર્ટ દાખલ કરવામાં આવેલા એક કેસમાં કોર્ટે અનિલ અંબાણીને તાત્કાલિક રાહત આપતા તેમના વિરૂધ્ધ નાદારી પ્રક્રિયા હેઠળ કેસ ચલાવવા પર પ્રતિબંધનો હુકમ આપ્યો હતો, આ હુકમ અંતિમ ચુકાદા સુધી લાગુ રહેશે.
લો ટ્રિબ્યુનલની મુંબઇ શાખાએ અનિલ અંબાણી વિરૂધ્ધ નાદારી કેસ ચલાવવાની મંજુરી આપી હતી
ખરેખર તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ શાખાએ અનિલ અંબાણી વિરૂધ્ધ નાદારી કેસ ચલાવવાની મંજુરી આપી દીધી હતી, તેના વિરૂધ્ધ અનિલ અંબાણીએ દિલ્હી હાઇકોર્ટમાં અપિલ કરી હતી, જેના પર કોર્ટ દ્વારા અંકુશ લગાવવામાં આવ્યો હતો, ત્યાંર બાદ એસબીઆઇએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતું સુપ્રિમ કોર્ટે પણ તે ચુકાદાને માન્ય રાખ્યો હતો.
અંગત ગેરન્ટીનાં પગલે ફસાયા અનિલ અંબાણી
આરકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ દ્વારા એસબીઆઇ પાસેથી લેવામાં આવેલી 1200 કરોડ રૂપિયાની લોનની પર્સનલ ગેરન્ટી લીધી હતી, હવે બંને કંપનીઓ નાદાર થઇ ચુકી છે, એવામાં ટ્રિબ્યુનલએ અનિલ અંબાણી પર જ નાદારીનાં કેસ ચલાવવાનો હુકમ આપ્યો હતો, અનિલ અંબાણીએ પોતાની પર્સનલ ગેરન્ટી પર 2016માં આ લોન લીધી હતી, અને હવે બંને કંપની નાદાર જાહેર થઇ છે.