નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે 22 મે, શુક્રવારે ‘ઝૂમ’ (Zoom) એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ ઋષિકેશ રાયની ડિવિઝન બેંચે હર્ષ ચૂઘની અરજી પર કેન્દ્ર સરકાર અને ‘ઝૂમ’ એપ્લિકેશન સંચાલિત કરતી કંપની, ઝૂમ વીડિયો કમ્યુનિકેશન્સને નોટિસ ફટકારી છે.
કોર્ટે નોટિસનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. અરજદારે ગુપ્તતાના અધિકારને ટાંકીને ઝૂમ એપ્લિકેશનને પ્રતિબંધિત કરવાની વિનંતી કરી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે સર્વોચ્ચ અદાલત સરકારને શાસનમાં અને વ્યક્તિગત સ્તરે ઝૂમના ઉપયોગ અંગે યોગ્ય કાયદો ઘડવાનો નિર્દેશ આપે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમકારક સાબિત થઇ શકે છે. આ સિવાય આ એપ દ્વારા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમને પણ પ્રોત્સાહન મળી શકે છે. ઝૂમ એપના વારંવાર ઉપયોગથી સાયબર ક્રાઇમ થવાનું જોખમ રહેલું છે, તેથી કેન્દ્ર સરકારને તેના ઉપયોગ અંગે વિગતવાર તકનીકી અભ્યાસ કરવા સૂચના આપવી જોઈએ, જેથી તેનાથી ઉદ્ભવતા સુરક્ષા અને ગોપનીયતાના જોખમો શોધી શકાય.