આસામમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ઓપરેશનમાં પોલીસે કેટલીક મસ્જિદોના ઈમામો અને મદરેસાના શિક્ષકોની આતંકી મોડ્યુલમાં સંડોવણી બદલ ધરપકડ કરી છે. આ પછી, આસામ સરકારે મસ્જિદો અને મદરેસાઓ માટે કડક પગલાં લીધાં છે, જે અંતર્ગત ઇમામ અને મદરેસા શિક્ષકોની ભરતી માટે સ્પેશિયલ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવી રહી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના તમામ મુસ્લિમોને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં મસ્જિદમાં કોઈ નવો ઈમામ અથવા નવો શિક્ષક આવે તો પોલીસને જાણ કરે. પોલીસ તેમનું બેકગ્રાઉન્ડ ચેક કરશે અને વેરિફિકેશન કરશે.
આ સાથે, એક પોર્ટલ પણ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં બિન-સરકારી મદ્રેસાના શિક્ષકો અને મસ્જિદોના ઈમામોની ભરતી વિશે માહિતી દાખલ કરવી જરૂરી રહેશે. પરંતુ, બહાર આવતા ઈમામ અથવા મદરેસા શિક્ષક વિશે જ પોર્ટલમાં માહિતી રજીસ્ટર કરવી જરૂરી રહેશે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે હજુ પણ દેશમાં આવા પાંચ જેહાદી અથવા આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. તેમને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.
પોલીસે શનિવારે સાંજે આસામના ગોલપારા જિલ્લામાંથી બે ઈમામોની ધરપકડ કરી હતી, જેમની અલ કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથેની લિંક મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આસામમાં અલગ-અલગ આતંકી મોડ્યુલનો પણ ભાગ હતા, જેનો ગત મહિને પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આસામના જુદા જુદા ભાગોમાંથી અત્યાર સુધીમાં ઈસ્લામિક જૂથના 30 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.