લાંબા સમય સુધી ચાલનારા કેસોમાં અયોધ્યા કેસથી પણ એક મોટો કેસ સુપ્રીમ કોર્ટમાં આવી ચૂક્યો છે. અયોધ્યા કેસમાં કુલ 40 દિવસ સુનવણી ચાલી હકી જ્યારે આ કેસમાં 63 દિવસ કોર્ટમાં સુનવણી ચાલી હતી. આ કેસ હતો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકારનો. કેરળમાં એક ઈડનીર નામનો 1200 વર્ષ જુનો હિંદૂ મઠ હતો. કેરળ અને કર્ણાટકમાં તેનું ઘણું સમ્માન છે. મઠના પ્રમુખને કેરળના શંકરાચાર્યનો દરજ્જો આપવામાં આવે છે. તેવામાં સ્વામી કેશવાનંદ ભારતી કેરળના તત્કાલિન શંકરાચાર્ય હતા.
કેરળ સરકારે બે ભૂમિ સુધાર કાનુન બનાવ્યા હતા. જે કાયદાથી મઠના મેનેજમેન્ટ પર ઘણાં પ્રતિબંધો લગાવવાના પ્રયાસ થઈ રહ્યાં હતા. કેશવાનંદ ભારતીએ કોર્ટમાં સરકારના આ પ્રયાસોને પડકાર્યા હતા. તેમણે બંધારણના આર્ટિકલ 26નો હવાલો આપી અપીલ કરી હતી કે, દેશના દરેક નાગરિકને ધર્મ-કર્મ માટે સંસ્થાન બનાવવા, તેનું મેનેજમેન્ટ કરવા અને તેમાં ચલ અને અચલ સંપત્તિ જોડવાનો અધિકાર છે. તેમણે કહ્યું હતું કે, સરકારનો બનાવેલો કાયદો તેના બંધારણીય અધિકારની વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનવણી માટે 13 જજની બેચ બનાવી હતી. બેચની આગેવાની તત્કાલીન ચીફ જસ્ટીસ એસ.એમ.સીકરી કરી રહ્યાં હતા. કેસની અંતિમ સુનવણી માટે સાત અને છ જજોના અલગ-અલગ મત હતા. પરંતુ જેના પક્ષમાં વધારે મત હતા તેમના તરફ નિર્ણય સંભળાવવામાં આવ્યો.
નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણનું મુળ માળખું બદલી શકાય નહી, સંસદ તેમાં કોઈ સંશોધન કરી શકે નહી. તેમાં મૂળભૂત માળખાનો અર્થ છે બંધારણનું સૌથી ઉપર હોવું. આ મામલે સાત જજોના કારણે આ નિર્ણય આપવામાં આવ્યો જ્યારે બાકીના છ જજો આ નિર્ણયની વિરુદ્ધમાં હતા. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આજે પણ આ કેસ સૌથી મોટો છે.