અયોધ્યામાં દશકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી પૂરી થઈ ગઈ છે. છેલ્લા 40 દિવસથી સુપ્રીમ કોર્ટમાં સતત આ મામલે સુનાવણી કરવામાં આવતી હતી. હિન્દુ-મુસ્લિમ પક્ષકારો તરફથી આકરી દલીલો કરવામાં આવી હતી અને તે દરમિયાન તેમનામાં ખેંચતાણ પણ જોવા મળી હતી. બુધવારે સાંજે 5 વાગે આ મામલે સુનાવણી પૂરી કરવામાં આવી છે અને અત્યારે કોર્ટે તેમનો નિર્ણય રિઝર્વ રાખ્યો છે. હવે દરેકની નજર ચુકાદા પર છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચેય જજની બેન્ચે આ કેસને સાંભળ્યો અને હવે તેઓ ઐતિહાસીક નિર્ણય લખશે. આ કેસનો ચુકાદો 10 નવેમ્બર સુધી આવી જવાની શક્યતા છે. જોકે કોર્ટ તરફથી ચુકાદાની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી. જોકે બંને પક્ષના વકીલો દાવો કરી રહ્યા છે કે, ચુકાદો તેમના પક્ષમાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં હવે શું થશે
બુધવારે આ કેસમાં સુનાવણી પૂરી થતાં સુપ્રીમ કોર્ટ તરફથી દરેક પક્ષને મોલ્ડિંગ ઓફ રિલીફ માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવતા ત્રણ દિવસમાં પક્ષકારોએ લેખિત એફિડેવિટ કોર્ટમાં સબમીટ કરવાની છે. તે સાથે જ કેસની સુનાવણી કરનાર સુપ્રીમ કોર્ટની બેન્ચ આ કેસના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણાં કરવા માટે ગુરુવારે સુપ્રીમ કોર્ટ ચેમ્બરમાં બેઠક કરશે.
એક મહિનામાં નિવૃત્ત થવાના છે ચીફ જસ્ટિસ
અયોધ્યા કેસની સુનાવણી બંધારણી બેન્ચ દ્વારા કરાઈ છે. તે બેન્ચની આગેવાની ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ 17 નવેમ્બરે એટલે કે આજથી એક મહિના પછી નિવૃત્ત થઈ રહ્યા છે. આ સંજોગોમાં વકીલોને આશા છે કે તેમના નિવૃત્ત થતા પહેલાં આ કેસનો ચુકાદો આવી જશે. આ પહેલાં ચીફ જસ્ટિસ પોતે પણ કહી ચૂક્યા છે કે તેઓ 18 ઓક્ટોબર પહેલાં આ કેસની સુનાવણી ખતમ કરવા માંગે છે કારણ કે નિર્ણય લેવામાં પણ એક મહિનાનો સમય જરૂરી છે.
મધ્યસ્થતા નિષ્ફળ જતા રોજ સુનાવણી શરૂ થઈ હતી
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ તરફથી આ ઐતિહાસીક કેસમાં પહેલાં મધ્યસ્થતીનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સફળ થયો નહતો. ત્યારપછી 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે રોજ સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે અઠવાડિયામાં પાંચ દિવસ આ કેસની સુનાવણી કરી છે. છેલ્લા અમુક દિવસ સુનાવણીમાં એક કલાકનો સમય પણ વધારી દેવામાં આવ્યો હતો. આ કેસને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડિવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નઝીર પણ સામેલ છે.