અયોધ્યા જમીન વિવાદ મુદ્દે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, બુધવાર(16 ઓક્ટોબરે)આ મામલાની 40મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે, બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે. અયોધ્યામાં ઘણી(50-60) મસ્જિદો છે, જ્યાં મુસ્લિમ નમાજ અદા કરી શકે છે, પરંતુ હિન્દુ ભગવાન રામના જન્મસ્થળ એટલે કે અયોધ્યાને બદલી ન શકાય. આ વર્ષે 6 ઓગસ્ટથી ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી 5 જજોની બેંચમાં નિયમીત સુનાવણી ચાલી રહી છે.
પારાશરણ સુપ્રીમ કોર્ટમાં મહંત સુરેશ દાસ તરફથી વકીલાત કરી રહ્યાં છે. સુરેશ દાસ પર સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય લોકોએ કેસ કર્યો હતો. પારાશરણે કહ્યું કે, ‘સમ્રાટ બાબરે ભારતને જીત્યું અને તેને અયોધ્યા એટલે ભગવાન રામના જન્મસ્થળમાં મસ્જિદ બનાવીને ઐતિહાસિક ભૂલ કરી દીધી. આવું કરીને (બાબર) પોતાને પણ તમામ નિયમ-કાયદા ઉપર સમજી લીધા છે’ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં 4-5 નવેમ્બરે નિર્ણય સંભળાવી શકે છે.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પારાશરણના જવાબ અંગે વાંધો ઉઠાવ્યો. ધવને તેમને પુછ્યું કે,તમે જણાવી શકો છો કે અયોધ્યામાં કેટલા મંદિર છે? પારાશરણે કહ્યું કે, મેં મારું તર્ક ભગવાન રામના જન્મસ્થળ અંગે આપ્યું હતું.
‘એક વખતે જે મંદિર હતું, તે મંદિર જ રહેશે’
5 જજોની બેંચમાં ચીફ જસ્ટિસ સિવાય જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નજીર છે. બેંચે પારાશરણને ઘણા કાયદાકીય સરહદ જેવા પ્રશ્નો પુછ્યા હતા. બેંચે કહ્યું હતું કે,‘તેમનો(મુસ્લિમ પક્ષ)ના કહ્યાં પ્રમાણે, એક વખત મસ્જિદ બની ગઈ તો તે હંમેશા મસ્જિદ જ રહેશે. શું તમે આ વાતથી સહેમત છો?’ આ અંગે પારાશરણે કહ્યું કે,‘હું આ વાતનું સમર્થન કરતો નથી, હું કહેવા માંગીશ કે, એક વખત કોઈ મંદિર બની ગયું, તો તે હંમેશા મંદિર તરીકે ઓળખવામાં આવશે’
મંગળવારના રોજ થયેલી સુનાવણીની ખાસ અપડેટ્સ
01.15 PM: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કે.પરાસરણે કહ્યું કે, મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે જમીન પર તેમનો હક છે. ત્યારે જસ્ટિલ નઝીરે પૂછ્યું કે, એડવર્સ પઝેશન વગર સાબિત કરવામાં આવેલા માલિકી હકને સાબિત કરી શકે છે.
આ વિશે પરાસરણે કહ્યું, કારણકે ડ્યુઅલ ઓનરશિપની જોગવાઈ ભારતીય કાયદામાં છે. જોકે એડવર્સ પઝેશનમાં પણ કોઈની જમીન પર બીજુ કોઈ જબરજસ્તી ઈમારત બનાવી લે તો પણ જમીનનો માલિકી હક જમીનવાળાનો જ રહે છે.
તેમણે કહ્યું કે, અત્યારે અમારે નહીં પરંતુ મુસ્લિમ પક્ષને માલિકી હક સાબીત કરવાની જરૂર છે. કારણકે અમારો દાવોતો સ્વયંસિદ્ધ છે.
12.50 PM: સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષકારના વકીલ કે. પરાસરણને ઘણાં સવાલ પૂછ્યા હતા. ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ હસીને મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કહ્યું કે, અમે હિન્દુ પક્ષના વકીલને પણ સવાલ પૂછી રહ્યા છીએ, શું તમે આ સવાલથી સંતુષ્ટ છો મિસ્ટર ધવન?
ત્યારપછી કોર્ટમાં બધા હસવા લાગ્યા હતા અને પરાસરણે કહ્યું કે, મને સવાલોથી કોઈ પ્રોબ્લેમ નથી, હું દરેક સવાલોના જવાબ આપીશ.
12.35 PM: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન પૂછ્યું કે, જે મુખ્ય પ્રોપર્ટી હતી તે નષ્ટ થઈ ગઈ છે તો નિર્ણય કેવી રીતે લેવામાં આવે? આ વિશે પરાસરણે કહ્યું કે, હું નથી માનતો કે મસ્જિદ હંમેશા મસ્જિદ રહે છે, પરંતુ મારી દલીલ છે કે, મંદિર હંમેશા મંદિર જ રહે છે. પછી ભલે ત્યાં ભવન કે મૂર્તિ હોય કે નહીં.
12.30 PM: વકીલ કે. પરાસણે તેમની દલીલમાં કહ્યું કે, કોઈને પણ ભારતનો ઈતિહાસ બરબાદ કરવાની મંજૂરી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ઈતિહાસની ભૂલને સુધારવી જોઈએ. એક વિદેશી ભારતમાં આવીને તેમનો કાયદો લાગુ કરી શકે નહીં. હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમ બીજે ક્યાંક જઈને પણ નમાઝ કરી શકે છે. અયોધ્યામાં 50-60 મસ્જિદ છે. પરંતુ આ ભગવાન રામનું જન્મસ્થળ છે. તેથી અમે તેને નહીં બદલીએ.
12.20 PM: મંગળવારે ચર્ચા દરમિયાન કે. પરાસરણે કહ્યું કે, આજે સુનાવણીનો 38મો દિવસ છે, ત્યારે સાથી વકીલે તેમને ટોક્યા અને કહ્યું આજે 39મો દિવસ છે. અને ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, કાલે સુનાવણીનો 40મો અને દલીલો માટેનો છેલ્લો દિવસ છે.
12.15 PM: હિન્દુ પક્ષકારના વકીલ કે. પરાસરણે તેમની દલીલની શરૂઆત ભારતના ઈતિહાસ સાથે કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી વકીલ વી.પી. શર્માએ લેખીત દલીલ સાથે કુરાનમાં અંગ્રેજી અનુવાદની કોપી રજિસ્ટ્રીને સોંપી હતી. તે સાથે જ હિન્દુ અને સિખ ધર્મ ગ્રંથની રજિસ્ટ્રી પણ સોંપી હતી.
12.00 PM: હિન્દુ પક્ષકાર તરફથી વકીલે મંદિરના પુરાવા અને અમુક દસ્તાવેજો કોર્ટને આપવાની ભલામણ કરી હતી. કોર્ટ તરફથી દસ્તાવેજો રજિસ્ટ્રીને આપવાનું કહેવામાં આવ્યું હતું. હવે હિન્દુ પક્ષકાર સૂટ-4 મહંત રામચંદ્ર દાસના શિષ્ય સુરેશ દાસ તરફથી વકીલ પરાસરણ તેમની દલીલ રજૂ કરી રહ્યા છે.
11.50 PM: અયોધ્યા કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. હિન્દુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા બુધવારે તેમની દલીલ મૂકવાના હતા પરંતુ નિર્મોહી અખાડાના વકીલના પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ જતા તેઓ કોર્ટ પહોંચી શક્યા નહતા.
16 ઓક્ટોબર સુધી ખતમ થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી ખતમ કરવા માટે 17 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો પરંતુ સોમવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી 16 ઓક્ટોબર સુધી જ ખતમ કરવાનો ઈશારો આપ્યો છે. હવે બે દિવસ સુધી હિન્દુ પક્ષને તેમની દલીલ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે.
માત્ર મુસ્લિમ પક્ષને જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે
સોમવારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે, તેમને લાગે છે કે, કોર્ટ માત્ર તેમને જ સવાલો પૂછી રહી છે, હિન્દુ પક્ષ તરફ કોઈ સવાલ કરવામાં નથી આવતો. કોર્ટે આ સવાલ સામે કોઈ ટીપ્પણી નથી કરી. તે સાથે જ મુસ્લિમ પક્ષે દલીલ રજૂ કરતાં કહ્યું છે કે, શ્રદ્ધા-સ્કન્દ પુરાણના આધારે જમીન પર કબજો ન કરી શકાય. આ સંજોગોમાં અયોધ્યાની જમીન મુસ્લિમ પક્ષને જ સોંપવી જોઈએ.
અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ
સુનાવણી 17 ઓક્ટોબરે ખતમ થઈ શકે છે. તેના આશરે એક મહિના પછી એટલે કે 17-18 નવેમ્બરે ચુકાદો આવી શકે છે. આ મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે, જે ડિસેમ્બર સુધી લાગુ રહી શકે છે. મોડી રાતે જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, અયોધ્યા-ફૈઝાબાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી સંગઠિત, સામુહિક કાર્યક્રમો કે મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે. જોકે, દિવાળીના તહેવારો દરમિયાન અયોધ્યાનું વિશેષ મહત્વ હોવાથી ત્રણ દિવસ માટે આ નિર્ણયનો અમલ હળવો કરાશે.
સુરક્ષાકર્મીઓ આવતાં અઠવાડિયે પહોંચશે
ઉલ્લેખનિય છે કે, 17 ઓક્ટોબર સુધીમાં બંને પક્ષો પોતાની દલીલો પૂર્ણ કરી લે એ પછી એકાદ મહિના સુધીમાં ચૂકાદો આવે એવી સંભાવના છે. આ શકવર્તી ચૂકાદાની સંભવિત અસરો ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર તકેદારીના પગલાં લઈ રહ્યું છે. સુરક્ષાકર્મીઓની પહેલી ટુકડી આવતાં અઠવાડિયે અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં કામ કરી ચૂકેલા વરિષ્ઠ અધિકારીઓને પણ વિશેષ ફરજ પર હાજર રહેવાના આદેશ કરી દેવાયા છે.