રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં કેન્દ્રની મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં પીટીશન દાખલ કરી કહ્યું છે કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર હિન્દુ પક્ષકારોને જે જમીન આપવામાં આવી છે તે રામજન્મભૂમિ ન્યાસને સોંપવામાં આવે અને બિનવિવાદિત જમીનને ભારત સરકારને સોંપવામાં આવે. આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટીસ બોબડે હાજર નહીં રહેતા સુનાવણી ટાળી દેવામાં આવી છે.
મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અયોધ્યામાં હિન્દુ પક્ષકારોને જમીનનો જે ભાગ આપવામાં આવ્યો છે તે રામજન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે. જ્યારે 2.77 એકર જમીનનો કેટલોક ભાગ સરકારને પરત આપી દેવામાં આવે.
નોંધનીય છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની આસપાસ અંદાજે 70 એકર જમીન કેન્દ્ર સરકાર પાસે છે. આમાંથી 2.77 એકર જમીન પર ઈલ્હાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો. જે જમીન અંગે વિવાદ છે તે જમીન 0.313 એકર જ છે. સરકારે કહ્યું કે આ જમીનને છોડીને બાકીની જમીન ભારત સરકારને સોંપી દેવામાં આવે. મોદી સરકારનું કહેવું છે કે જે જમીન પર વિવાદ નથી તે જમીન સરકારને પરત કરી દેવામાં આવે.
29મી જાન્યુઆરીએ રામ મંદિર મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના પાંચ જજ પૈકી જસ્ટીસ બોબડે રજા પર છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ અબ્દુલ નઝીર, જસ્ટીસ એસ.એ બોબડે અને જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચ મંદિર વિવાદની સુનાવણી કરી રહી છે.
ઈલ્હાબાદ હાઈકોર્ટનો ફેસલો, જમીનના આ રીતે કરાયા હતા ભાગલા
તમને જણાવી દઈએ કે ઈલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે 30 સપ્ટેમ્બર 2010માં અયોધ્યા વિવાદમાં ચૂકાદો આપ્યો હતો. જસ્ટીસ સુધીર અગ્રવાલ, જસ્ટીસ એસ.યુ. ખાન અને જસ્ટીસ ડીવી શર્માની બેન્ચે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી હતી. જેમાં રામ લલ્લા બિરાજમાન છે તે જમીન હિન્દુ મહાસભાને, બીજો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડને સોંપવાના ચૂકાદો આપ્યો હતો.