RBI એ રેપોરેટ સહિતના દરોમાં ઘટાડો કરીને નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને corona ના આ કાળમાં સસ્તા વ્યાજદરે ધિરાણ મળી જાય તે માટે પગલાં લીધા હોવા છતાંય અને આ રેપોરેટ ઘટયા પછી બૅન્કોએ વ્યાજના દર ઘટાડયા હોવા છતાંય ઓવરડ્રાફ્ટ લેનારા વેપાર – ઉદ્યોગોને તેમના ઓવરડ્રાફ્ટના વ્યાજના દરમાં ઘટાડો કરી આપવા ખાનગી બૅન્કો આનાકાની કરી રહી છે.બીજી તરફ ખાનગી બૅન્કોની આ દાદાગીરીથી ત્રાસીને એકાઉન્ટ શિફ્ટ કરવા માગતા વેપારીઓ અને નાના એકમોને એકાઉન્ટના પ્રી ક્લોઝર માટે રૂા.10 લાખથી માંડીને 25 લાખ સુધી નો ચાર્જ લગાડવામાં આવી રહ્યો છે.આ પ્રકારના કેસો બનવા માંડતા મસ્કતી કાપડ મહાજનમાં આ અંગે ફરિયાદો આવવા માંડી છે. એક ખાનગી બૅન્કે તેના ક્લાયન્ટને જણાવ્યું છે કે તમારા ઓવરડ્રાફ્ટની રકમ તમે સમય કરતાં વહેલા ચૂકવવા માગતા હોવ તો તેના પર તમારા ચારથી પાંચ ટકાના દરે પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવા પડશે.
સૌથી આઘાતજનક બાબત તો એ છે કે નાના અને મધ્યમ કદની કેટેગરીમાં આવતા એકમોને પ્રીક્લોઝર માટે આ પ્રકારનો દંડ કરી જ ન શકાય તેમ હોવા છતાંય તેમને લાખોનો દંડ કરવામાં આવી રહ્યો છે. માઈક્રો અને સ્મોલ એન્ટ્રેપ્રેન્યોર માટેના બૅન્કના કોડ ઑફ બૅન્ક્સ કમિટમેન્ટના નિયમમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ફ્લોટિંગ રેટથી લેવામાં આવેલી લોનના પ્રીપેમેન્ટની છૂટ આપવાની રહેશે અન ેતેને માટે કોઈપણ પ્રકારની પેનલ્ટી લગાડવાની રહેશે નહિ.આ સંદર્ભમાં ચર્ચા કરવા માટે પક્ષકારો બૅન્કમાં જાય ત્યારે બૅન્કના ઉચ્ચ અધિકારીઓ તેમને મળવા પણ તૈયાર થતાં નથી. તેમ જ તેમના દ્વારા કરવામાં આવતા ઇ-મેઈલના પણ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતા નથી. તેમ જ ઇ-મેઈલના જવાબમાં અગાઉ જણાવેલા અધિકારીઓ ઉપલબ્ધ ન હોવાથી અન્ય અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી હોવાનું જણાવી દીને ખોટો ખોટો ટાઈમ પાસ કરવામાં આવી રહ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.