વૈજ્ઞાનિકોએ આવનાર શિયાળાને અંગે ચેતવણી આપી છે. તેમના મતે, જો કોરોના અને ફ્લુ એક સાથે આવે છે તો મૃત્યુનું જોખમ બમણું થઈ શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 20 જાન્યુઆરીથી 25 એપ્રિલની વચ્ચે ઈંગ્લેન્ડમાં 58 આવા જ કેસ સામે આવ્યા છે. આ દર્દીઓ ફ્લુ અને કોવિડ-19 બંનેનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 27 ટકા હતો, જ્યારે ફ્લુની ઝપેટમાં આવ્યા બાદ 43 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ફ્લુનું સંક્રમણ હંમેશાં ઠંડીમાં થાય છે. કોવિડ-19 અંગે તે કહેવું મુશ્કેલ છે કે તે સિઝનલ બીમારી છે. બંનેના લક્ષણો એક જેવા હોય છે. આવી સ્થિતિમાં તપાસ કર્યા વિના બંને વચ્ચે ફરક કરવો મુશ્કેલ છે. તેથી શિયાળાની સિઝનમાં વધારે સજાગ રહેવાની જરૂર છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ફ્લુના વાઈરસનું સંક્રમણ ઉધરસ અને છીંક ખાવાથી ફેલાય છે અને કોવિડ-19 માં પણ આવું જ થાય છે. ફ્લુના દર્દી લગભગ 1 સપ્તાહમાં સાજા થઈ જાય છે પરંતુ કોરોનાનો સામનો કરી રહેલા દર્દીઓને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગે છે.