Mining: રાજ્યમાં ગેરકાયદેસર ખનનનો મોટો કારોબાર, ખનીજ ચોરીના કેસમાં સતત વધારો
- ગેરકાયદેસર ખનન પ્રવૃત્તી સામે સરકાર કડક કાર્યવાહી કરતી હોવાના દાવા છતાં આ પ્રવૃત્તી અટકતી નથી
- રાજ્યમાં ક્વોરી તેમજ ખાણોમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક છે, 2022-23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ
Mining: સમગ્ર રાજ્યમાં ક્વોરી તેમજ ખાણોમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક લાગી છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગે ઈસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા કચ્છમાં પણ ખનન પ્રવૃત્તિ ઠપ્પ થઈ છે. જો કે હજુ પણ કચ્છના ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. માન્ય લીઝોના એટીઆર બંધ કરી દેવામાં આવતા જાણે ખનીજ ચોરી કરતાં તત્વોને મોકો મળી ગયો હોય તેમ કચ્છમાં અને ખાસ કરીને વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડની ટીમે ચાઈનાકલે ખનીજનું ગેરકાયદે વહન કરતા તત્વો પર કાર્યવાહી કરી હતી અને 18 વાહનોને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી અને ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા ગુરુવારની મોડી રાત્રે ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઈવે પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ખનીજનું વહન કરતી 16 ટ્રકોને એક સાથે ઝડપી પાડવામાં આવી હતી.
Mining: આ ઉપરાંત ગાગોદર પોલીસ સ્ટેશનની હદ માંથી પણ અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ભરીને નીકળેલ બે ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આમ એક જ રાત્રી દરમ્યાન ડેપ્યુટી કલેકટર અને ખાણ ખનીજ વિભાગની ફલાઇંગ સ્કવોડ ખનીજ ચોરી કરતા તત્વો પર સપાટો બોલાવી ગેરકાયદેસર ચાઈનાકલેનું વહન કરતા 18 વાહનો પકડી પાડયા હતા. આ દરોડામાં કુલ 5.40 કરોડનો મુદ્દામાલ લાકડીયા અને ગાગોદર પોલીસ સ્ટેશને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાહન માલિકો પાસેથી 54 લાખની દંડનીય વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં બેફામ ખનીજ ચોરીના આ છે આંકડાકીય પુરાવા
ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યાં છે જેની માહિતી વિધાનસભા ગૃહમાં માર્ચ 2023એ જાહેર કરાયેલા આંકડા પરથી સ્પષ્ટ થઈ જાય છે. ધારાસભ્યોના સવાલનો જવાબ આપતાં સરકારે સ્વીકાર્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં રૂ. 65 હજાર 918 લાખની ખનીજ ચોરી પકડાઈ છે.જ્યારે છેલ્લા 5 વર્ષમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે.
2019-20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ
વર્ષ 2018-19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ છે. જ્યારે વર્ષ 2019-20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત કરાઈ હતી.
2022-23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ
તે ઉપરાંત વર્ષ 2020-21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155 કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત કરાઈ છે. વર્ષ 2021-22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત કરાઈ છે. વર્ષ 2022-23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ.19907.86 લાખની વસુલાત કરાઈ હતી.