મોદી સરકાર-2 એ તેના ચૂંટણી ઢંઢેરા પત્રમાં કરેલ ત્રણ મોટા વાયદા માત્ર સાત જ મહિનામાં પૂરા કરી દીધા છે. રસપ્રદ વાત તો એ છે કે, આ ત્રણેય વાયદા આરએસએસનો વર્ષોથી બાકી માંગણીઓમાંના એક છે. બીજેપીએ 2019 ના ચૂંટણી ઢંઢેરા પત્રમાં જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવાનો, નાગરિકતા સંશોધન બીલ લાવવા અને ત્રણ તલાક વિરૂદ્ધ કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. કહેવાય છે કે, સરકાર હવે આગામી સમયમાં સમાન નાગરિક સંહિતા અને જનસંખ્યા નિયંત્રણ સાથે જોડાયેલ કાયદાઓ પર કામ કરી શકે છે. બુધવારે જ્યારે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકયા સંશોધન બિલ પર ચર્ચા અને પાસ કરવા માટે રજૂ કર્યું ત્યારે તેમણે બીજેપીના ચૂંટણી ઢંઢેરાનો પણ ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે, જે લોકો અમારા પર વોટના રાજકારણનો આરોપ મૂકી રહ્યા છે, તેમને હું કહેવા ઇચ્છું છું કે, ચૂંટણી ઢંઢેરો સરકારની નીતિઓ દર્શાવે છે અને જનતા તેના પર વિશ્વાસ કરીને જ વોટ આપે છે.
ચૂંટણી પહેલાં જ મૂકવામાં આવ્યો હતો પ્રસ્તાવ: અમિત શાહ
તેમણે જણાવ્યું કે અમે ચૂંટણી પહેલાં જ નાગરિકતા સંશોધન કાયદો લાવવાનું લોકો સમક્ષ જણાવ્યું હતું અને તેને લોકોનું સમર્થન પણ મળ્યું. ગૃહ મંત્રીએ જણાવ્યું કે, જનાદેશથી મોટું કઈંજ ન હોઇ શકે. જેના જવાબમાં કોંગ્રેસના આનંદ શર્માએ જણાવ્યું કે, કોઇપણ પક્ષનો ચૂંટણી ઢંઢેરો બંધારણથી પર નથી. આપણે બંધારણના શપથ લીધા છે અને બંધારણ જ સર્વોપરિ છે.
પૂરો કર્યો ત્રીજો મોટો વાયદો
નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થતાં જ બીજેપીએ તેનો ત્રીજો સૌથી મોટો વાયદો પૂરો કર્યો છે, હવે બીજેપી અને સંઘ પરિવારના લોકોની નજર સમાન નાગરિકતા કાનૂન પર છે. બીજેપીએ તેના ચૂંટણી ઢંઢેરામાં એ પણ વાયદો કર્યો છે કે, બીજેપી સમાન સંહિતા બનાવવા માટે કટિબદ્ધ છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, બીજેપીનું માનવું છે કે, જ્યાં સુધી ભારતમાં સમાન નાગરિક સંહિતાને અપનાવવામાં નહીં આવે, ત્યાં સુધી લૈંગિક સમાનતા કાયમ નહીં થઈ શકે.
જનસંખ્યા નિયંત્રણ કાયદા પર કામ થવાની આશા
બીજેપી નેતાઓની સાથે-સાથે સંઘના નેતાઓને આશા છે કે, તે હવે આ વાયદાને પૂરો કરવા તરફ આગળ વધી શકે છે. સંઘના એક નેતાએ કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ ખૂબજ જરૂરી છે. જે રીતે ઘણાં રાજ્યોની આખી ડેમોગ્રાફી બદલાઇ ગઈ છે, એ જોતાં હવે આમાં મોડું ન કરવું જોઇએ. સંઘના નેતાના જણાવ્યા અનુઆર, બીજેપીએ પણ આ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને અમને આશા છે કે, જે રીતે ત્રણ મહત્વના વાયદા પૂરા કર્યા છે એ રીતે આ પણ બહુ જલદી પૂરો થશે.