Chhattisgarh : છત્તીસગઢમાં લોકસભાની ચૂંટણી પહેલા જ નક્સલવાદીઓને મોટો ઝટકો લાગ્યો છે. નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ 8 કલાકના એન્કાઉન્ટર બાદ 13 નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં કુખ્યાત નક્સલવાદી પાપા રાવની હાજરી વિશે ઈનપુટ મળ્યા હતા, ત્યારબાદ ડીઆરજી, એસટીએફ, કોબ્રા અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી બીજાપુરના ગંગાલુર પોલીસ સ્ટેશનમાં શોધખોળ માટે નીકળી હતી. એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળની તપાસ દરમિયાન 3 મહિલા માઓવાદીઓ સહિત કુલ 13 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે દર વર્ષે માર્ચ અને જૂન વચ્ચે ઉનાળાની ઋતુમાં નક્સલવાદીઓ તેમની ગતિવિધિઓ વધુ તીવ્ર બનાવે છે. આ સમયગાળા દરમિયાન, બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો પર મોટી સંખ્યામાં હુમલા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પહેલા 27 માર્ચે બીજાપુરના બાસાગુડા વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં છ નક્સલીઓને ઠાર કર્યા હતા. બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તારમાં છે જ્યાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા નક્સલવાદી હુમલા
3 એપ્રિલ, 2021 ના રોજ, નક્સલવાદીઓએ સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદ પર ઓચિંતો હુમલો કર્યો હતો. આ હુમલામાં 22 જવાનો શહીદ થયા હતા.
21 માર્ચ 2020ના રોજ સુકમાના મીનપા વિસ્તારમાં નક્સલી હુમલામાં 17 સુરક્ષા જવાનો શહીદ થયા હતા.
9 એપ્રિલ, 2019 ના રોજ, ભાજપના ધારાસભ્ય ભીમા માંડવી અને ચાર સુરક્ષાકર્મીઓ દંતેવાડા જિલ્લામાં નક્સલવાદી વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
24 એપ્રિલ 2017ના રોજ બુરકાપાલ હુમલામાં 25 CRPF જવાનો શહીદ થયા હતા.
-વર્ષ 2010માં તાડમેટલામાં સૌથી મોટા નક્સલી હુમલામાં 76 જવાનો શહીદ થયા હતા.