નવી દિલ્હી : કોરોનો સંકટમાં મદદ કરવા માટે મોદી સરકારે દેશની શિશુ મુદ્રા લોન ધારકોને રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટે 24 જૂન, બુધવારે આ લોન પર 2% વ્યાજ છૂટને મંજૂરી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે 20 લાખ કરોડના રાહત પેકેજના ભાગ રૂપે આ જાહેરાત કરી.
કેબિનેટના નિર્ણય અંગે વર્ણવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “મુદ્રાની શિશુ લોન પર 2% વ્યાજ છૂટ આપવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. લાખો લાભાર્થીઓને હવે 2 ટકા વ્યાજની છૂટ મળશે.
નોંધપાત્ર વાત એ છે કે, કેન્દ્ર સરકાર નાના વેપારીઓને કોરોના સંકટને પહોંચી વળવા માટે મદદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. અગાઉ સરકારના 20 લાખ કરોડના પેકેજ હેઠળ એમએસએમઇઓને 3 લાખ કરોડની લોન આપવાની યોજના લાવવામાં આવી હતી. આ ઉપરાંત શેરી વેપારીઓને 10 હજાર રૂપિયાની લોન આપવાની યોજના પણ સરકાર લાવી હતી.
સરકારને 1500 કરોડ ખર્ચ થશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે રાહત પેકેજ મુજબ, શિશુ મુદ્રા યોજના લેનારાઓને બે ટકાના વ્યાજમાં છૂટ મળશે. આ છૂટ આગામી 12 મહિના માટે રહેશે. તેની અસર એ થશે કે લોન લેનારાઓના 1500 કરોડની બચત થશે અને સરકાર આ વ્યાજના પૈસા ભરશે. તેમણે કહ્યું હતું કે, લગભગ ત્રણ કરોડ લોકોને તેનો લાભ મળશે. હાલમાં શિશુ લોન પર વ્યાજ દર વાર્ષિક 10 થી 11 ટકા છે. જેમાં હવે બે ટકા ડિસ્કાઉન્ટ મળશે.