બિહારના મોકામામાં પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર જીવલેણ હુમલો થયો છે. આ ઘટના મોકામા બ્લોક હેઠળના નૌરંગા-જલાલાપુર ગામમાં બની હતી. ગોળીબારમાં કુખ્યાત ગુનેગાર સોનુ-મોનુ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. આ ઘટના બારહ સબડિવિઝનના નૌરંગા-જલાલપુર ગામમાં બની હતી જ્યાં અનંત સિંહ તેમના સમર્થકો સાથે ગામડાના પ્રવાસે ગયા હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામમાં એક ઘરને તાળું મારવાની ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન સોનુ-મોનુ ગેંગના સભ્યો અને તેમના સમર્થકો વચ્ચે 60 થી 70 રાઉન્ડ ફાયરિંગ થયું.
ફાયરિંગ દરમિયાન અનંત સિંહ માંડ માંડ બચી ગયા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ કારતૂસના ખોખા જપ્ત કર્યા છે. આ ઘટના બાદ આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, અને બારહના ડીએસપી રાકેશ કુમાર ત્યાં કેમ્પિંગ કરી રહ્યા છે.
બારહના ડીએસપી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, “મોકામાના નૌરંગા ગામમાં ગોળીબારની ઘટના બની છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ભૂતપૂર્વ ધારાસભ્ય (અનંત કુમાર સિંહ) અને તેમના સમર્થકો ગોળીબારમાં સામેલ છે. જોકે, હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જે લોકો આ ઘટનામાં સામેલ તેમની તપાસ ચાલુ છે.
અનંત સિંહ કોણ છે?
અનંત સિંહ, જેમને “છોટે સરકાર” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ બિહારના રાજકારણ અને ગુનાહિત કેસોમાં એક મોટું નામ છે. તેઓ મોકામાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમનું નામ ગુનાની દુનિયામાં પણ હેડલાઇન્સમાં રહ્યું છે. તેમની સામે ઘણા વિવાદાસ્પદ કેસ અને ફોજદારી આરોપો પણ લગાવવામાં આવ્યા છે.