બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક ગ્રામ પંચાયતે સગીર વયની રેપ પીડિતા માતા બનતાં એને એવો આદેશ આપ્યો હતો કે તારું બાળક નિઃસંતાન દંપતીને વેચી દઇને મુક્ત થઇ જા. આ બાળકીની ફરિયાદ પરથી પોલીસે તરત કેસ નોંધ્યો હતો અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ ભાગેડુ આરોપીઓ સામે એફઆઇઆર નોંઘી હતી. આ બાળકી પર એક મૌલવી અને એક ઇલેક્ટ્રિશિયને બળાત્કાર કર્યો હતો. હાલ આ બંને નાસતા ફરી રહ્યા છે. પોલીસ તપાસ ચાલુ હતી.
આ બાળકીએ ગ્રામ પંચાયત સમક્ષ ફરિયાદ કરી હતી અને ડીએનએ ટેસ્ટ દ્વારા બાળકના પિતાની સાચ્ચી ઓળખ કરાવીને પોતાને ન્યાય આપવાની વિનંતી કરી હતી. પરંતુ ગ્રામ પંચાયતે એને એવો આદેશ આપ્યો હતો કે તારું બાળક વેચી દઇને મુક્ત થઇ જા. મુઝફ્ફપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે કેસની વિગત કંઇક આ પ્રકારની છે. ગામના લોકો રોજ વારાફરતી મૌલવીને ભોજન મોકલતા હતા. આ વર્ષના જાન્યુઆરીમાં એક બાળકી એને ભોજન આપવા ગઇ ત્યારે એણે બાળકીને કોઇ રીતે બેહોશ કરીને એના પર બળાત્કાર કર્યો.
આ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો અને એ વીડિયોના આધારે બ્લેકમેલ કરીને બાળકી પર સતત રેપ કરતો રહ્યો. આ વાતની જાણ એક ઇલેક્ટ્રિશિયનને થતાં એણે પણ આ બાળકીનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું. બાળકી પ્રેગનન્ટ થતાં પોતાની પોલ ખુલી જશે એવા ડરે આ બંને ગામમાંથી નાસી ગયા. બાળકીએ બાળકને જન્મ આપ્યો અને ગ્રામ પંચાયત પાસે ન્યાય માગ્યો ત્યારે એને બાળક વેચી દેવાનો આદેશ આપીને પંચાયતે પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ માની લીધો, હવે પોલીસ આ ઘટનાની અને આરોપીઓની તપાસ કરી રહી હતી એમ પણ પોલી સુપરિન્ટેન્ડન્ટે કહ્યું હતું.