રાજસ્થાનનાં બાડમેરમાં શુક્રવારે થયેલા ભયાનક અકસ્માતમાં વરરાજાના સાળા અને મિત્રના મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બેકાબૂ બનેલી સ્વિફ્ટ કારે રોડની સાઈડમાં ઉભેલા બે યુવકોને ટક્કર મારતા લગભગ 10 ફૂટ સુધી ઉછાળ્યા હતું. રસ્તા પર પટકાવાથી માથું ફાટી જવાથી બંને મોતને ભેટ્યા હતા.
બાડમેરના સિવાના નગરમાં શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ 3 યુવકો વરરાજાની કારને શણગારી રહ્યા હતા. તે દરમિયાન મોકલસર (બાડમેર) તરફથી એક સ્પીડમાં આવતી સ્વીફ્ટ કારે 100ની ઝડપે વરરાજાની કાર પાસે ઉભેલા 3 પૈકી 2 યુવકોને ટક્કર મારી હતી. બંને યુવકોને સ્વિફ્ટ કારે ટક્કર મારતા હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. સ્વિફ્ટ કાર રસ્તા પર પાર્ક કરેલા બે-ત્રણ વાહનોને અથડાઈને બંન્ને યુવકોને લગભગ 10-15 ફૂટ સુધી ઢસડી ગઈ હતી.
અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બંને ઘાયલોને સિવાનામાં પ્રાથમિક સારવાર બાદ બાલોતરા (બાડમેર) રિફર કરવામાં આવ્યા હતા. બાલોતરામાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે વાહન જપ્ત કર્યું છે. પરિવારજનો દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો છે.
શુક્રવારે રાત્રે વર ઘનશ્યામ અને કન્યા ખુશ્બુના લગ્ન થયા હતા. વહેલી સવારે માર્ગ અકસ્માતમાં વરરાજાના સાળા અને મિત્રનું મોત થતાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. જો કે, જાન આવી પહોંચી હતી. આ કારણે સાદગીથી લગ્ન પુર્ણ કરાયા હતા. શનિવારે વહેલી સવારે જાનને વિદાય આપવામાં આવી હતી. અકસ્માતને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ASI પ્રેમ કુમારના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે જોધપુર લોહાવતથી જાન હિંગળાજ માતા થાન સિવાના જઈ રહી હતી. સિવાનામાં કારને સજાવટ માટે સામાન ખરીદવા માટે ભરતકુમાર (26) પુત્ર શંકરલાલ રહેવાસી હિંગળાજ માતા થાન સિવાના અને રાજેશપુરી (30) પુત્ર ભંવરપુરી ગોસ્વામી નિવાસી લોહાવત જોધપુર સંજીવની કોમ્પ્લેક્સમાં રોકાયા હતા. તે દરમિયાન મોકલસર તરફથી પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે બંને યુવાનોને ટક્કર મારી હતી. ASI પ્રેમ કુમાર જણાવ્યું હતું કે, જે કારે ટક્કર મારી હતી તેને જપ્ત કરવામાં આવી હતી. કારના માલિક મહેન્દ્ર કુમાર ઘાંચી છે, જે રમણીયા ગામનો રહેવાસી છે. તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે. તેની પૂછપરછ કર્યા બાદ જ ખબર પડશે કે અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું.