નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બ્રાઝિલના બ્રાસિલિયામાં યોજાયેલ બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન પ્રાદેશિક આર્થિક ભાગીદારી કરાર (RCEP) પર પણ ચર્ચા થઈ હતી. ભવિષ્યમાં ભારત તેમાં જોડાવાની સંભાવના છે કે કેમ તે અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ છે. મહત્વનું છે કે, ચીને આરસીઈપી અંગે ભારતની ચિંતાઓને દૂર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ભારતે તેના ખેડૂતો, પશુધન અને વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક આર્થિક ભાગીદારી કરાર (આરસીઇપી) થી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. બ્રિક્સ સમિટમાં ભાગ લેનાર બંને નેતાઓએ ચીન અને ભારત વચ્ચે અનેક પરસ્પર મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ પ્રસંગે જારી કરેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને નેતાઓએ વેપાર અને રોકાણના મુદ્દા પર ઊંડા સંવાદના મહત્વ પર ભાર મૂક્યો.” રાષ્ટ્રપતિ શીએ તાજેતરમાં શાંઘાઈમાં યોજાયેલા ચાઇના એક્સપોર્ટ-ઇમ્પોર્ટ એક્સ્પોમાં ભાગ લેવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો. બંને નેતાઓ સંમત થયા કે ટૂંક સમયમાં વેપાર અને અર્થતંત્ર અંગે ઉચ્ચ સ્તરની મિકેનિઝમની સ્થાપના થવી જોઈએ. બંને નેતાઓએ ડબ્લ્યુટીઓ, બ્રિક્સ અને આરસીઈપી જેવા ઘણા મુદ્દા પર વાતચીત થઇ.