Flood Relief Fund ઉત્તરાખંડથી આસામ સુધી: કેન્દ્રે પૂર-ભૂસ્ખલનથી પ્રભાવિત 6 રાજ્યોને રૂ. 1,066.80 કરોડની સહાય ફાળવી
Flood Relief Fund કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 10 જુલાઇ, 2025ના રોજ જાહેર કર્યું કે કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલન જેવી પ્રાકૃતિક આપત્તિઓથી પીડિત છ રાજ્યો – આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ – માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ કુલ રૂ. 1,066.80 કરોડના કેન્દ્રિય ફંડ મંજૂર કર્યા છે. આ સહાયથી આ રાજ્યોને બચાવ અને રાહત કામગીરી માટે મજબૂત સહારો મળશે.
આર્થિક ફાળવણીમાં, ઉત્તરાખંડને સૌથી વધુ રૂ. 455.60 કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે આસામને રૂ. 375.60 કરોડ ફાળવાયા છે. અન્ય રાજ્યો માટે ફાળવવામાં આવેલ રકમ મુજબ: કેરળ – 153.20 કરોડ, મેઘાલય – 30.40 કરોડ, મણિપુર – 29.20 કરોડ અને મિઝોરમ – 22.80 કરોડ રૂપિયા છે.
અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં તમામ શક્ય સહાય અને તકનીકી સહયોગ પૂરો પાડવા પ્રતિબદ્ધ છે. તેમણે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સેના અને વાયુસેનાની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી બચાવ કામગીરી શરૂ કરવાની કામગીરી પર પણ ભાર મૂક્યો.
આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોસમ દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક રાજ્યો અસરગ્રસ્ત રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે SDRF અને NDRF દ્રારા કુલ 8,000 કરોડ રૂપિયાથી વધુની આર્થિક મદદ આપવામાં આવી છે. હાલમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 104 NDRF ટીમો બચાવ કામગીરી માટે તૈનાત છે.
આ ઉપરાંત, રાજ્ય આપત્તિ ઘટાડા માટે ખાસ ફંડ પણ જારી કરવામાં આવ્યો છે જેમાં પાંચ રાજ્યોને રૂ. 726.20 કરોડ અને બે રાજ્યોને રૂ. 17.55 કરોડ ફાળવાયા છે, જેથી આપત્તિ નિવારણ અને બચાવ કાર્યમાં વધુ કાર્યક્ષમતા લાવી શકાય.
કેન્દ્ર સરકાર સતત પ્રાકૃતિક આપત્તિથી પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક અને વ્યાપક રાહત અને પુનઃસ્થાપન માટે પ્રતિબદ્ધ છે અને આવતીકાલે પણ આવા પરિસ્થિતિઓ માટે પૂરતું બફર ફંડ રાખવાની તયારી રાખે છે.