દેશભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. આના ફાયદા અને નુકશાન બન્ને છે. ભારત ભરમાં નેતા, અભિનેતા, પત્રકાર અને સામાન્ય લોકો ફેસબૂક, વ્હોટ્સ અપ, ટવિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેની સંખ્યામાં કરોડોમાં આંકવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીને લઈ સામાન્ય લોકો અને રાજકીય પાર્ટીઓના સાયબર સેલ દ્વારા નેગેટીવ અને પોઝીટીવ એમ બન્ને પ્રકારનો પ્રચાર જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિમાં ચોક્ક્સ પાર્ટી કે નેતાને પસંદ કરનારા લોકો ન્યુટ્રલ પત્રકારોને ટારગેટ કરી ગમે તેવી કોમેન્ટ્સ અને અશ્લીલ કહી શકાય તેવા પ્રકારનું લખાણ કે વીડિયો પોસ્ટ કરતાં પણ અચકાતા નથી. સોશિયલ નેટવર્કમાં વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી વિરુદ્વ કશું પણ લખનારા પત્રકારોને ખરાબ રીતે ગાળો અને હલકી કક્ષાના લખાણો લખી ઉતારી પાડવામાં આવી રહ્યા છે.
આ યાદીમાં રવીશકુમાર, બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ અને અભિસાર શર્મા મુખ્ય હરોળમાં આવે છે. કેટલાક દિવસ પહેલાં દેશના વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત અંગે સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજ અને ન્યૂડ ફોટો મોકલવામાં આવ્યા હતા. આ બધુ બરખા દત્તના મોબાઈલ મોકલાયા હતા. બરખા દત્તે આ અંગે દિલ્હી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા દિલ્હીના ત્રણ યુવકો નામે રાજીવ શર્મા અને હેમરાજ તથા આદિત્યને અશ્લીલ મેસેજ મોકલવા બદલ પકડી લીધા છે.
દિલ્હી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બરખા દત્તને અશ્લીલ મેસેજ સેન્ડ કરનારા અન્ય એકને સુરતમાંથી પણ પકડ્યો છે. સુરતથી પકડાયેલા શખ્સનું નામ શબ્બીર ગુફરાન પિંજારા(45) હોવાનું જાણવા મળ્યું છે. શબ્બીર કતલખાનામાં ખાટકીને ત્યાં કામ કરે છે. પોલીસે તેની ધરપકડ કરી 14 દિવસ માટે જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે બરખા દત્તનો મોબાઈલ નંબર આ યુવકોએ ક્યાંથી મેળવ્યો હતો અને બરખા દત્તને શા માટે હેરાન કરવામાં આવી રહ્યા હતા.