સાઉદી અરબના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વાહન વચ્ચે ટક્કર થવાથી બસમાં આગ લાગતા 35 વિદેશી નાગરિકોના મોત થયા છે જ્યારે ચાર નાગરિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાઉદીના સરકારી મીડિયાએ ગુરૂવારે આ અંગે જાણકારી આપી હતી. મદીનાના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાઉદી અરબના આ પશ્ચિમી શહેરમાં બુધવારે ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી.
દુર્ઘટનાનો ભોગ બનેલા નાગરિકો અરબ અને એશિયાઈ તિર્થયાત્રીઓ હતા. ઈજાગ્રસ્ત તિર્થયાત્રીઓને સારવાર માટે અલ હમના હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા છે. અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તેલ પર આર્થિક નિર્ભરતામાં ઘટાડો કરવાના પ્રયાસમાં સાઉદી અરબ ધાર્મિક પર્યટન વિસ્તારને આખા વર્ષ દરમિયાન ચાલું રાખવા ઈચ્છે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં ઘટેલી આ બસ દુર્ઘટનામાં 35 લોકોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘સાઉદી અરબમાં મક્કાની પાસે ઘટેલી દુર્ઘટનાના સમાચારથી હું ખૂબ જ દુ:ખી છું. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી લાગણીઓ છે. ઈજાગ્રસ્ત લોકો ખૂબ જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી પ્રાર્થના છે.’