Caste census જાતિ વસ્તી ગણતરી માટે ખડગેના ત્રણ મહત્વના સૂચનો: પીએમ મોદીને લખ્યો પત્ર, તમામ પક્ષો સાથે ચર્ચાની માંગ
Caste census કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાતિ વસ્તી ગણતરી અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં ખડગેએ ત્રણ સૂચનો આપ્યા છે અને કેન્દ્ર સરકારને આ મુદ્દા પર તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરવાની વિનંતી કરી છે.
પત્રમાં ખડગેએ યાદ અપાવ્યું કે તેમણે અગાઉ પણ, એપ્રિલ 2023માં, પીએમ મોદીને જાતિગત વસ્તી ગણતરીની માંગ સાથે પત્ર લખ્યો હતો, પરંતુ તેનું કોઈ જવાબ મળ્યો નહોતો. હવે જ્યારે પીએમ મોદી જાતિ ગણતરીને સામાજિક ન્યાય માટે જરૂરી માની રહ્યા છે, ત્યારે ખડગેએ તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે.
Congress President Shri @kharge writes to PM Modi regarding the caste census to be conducted by the Centre.
Kharge ji has offered three significant suggestions on the issue. pic.twitter.com/9h3FDEdgPv
— Congress (@INCIndia) May 6, 2025
પત્રમાં ખડગેએ રજૂ કરેલા ત્રણ મુખ્ય સૂચનો નીચે મુજબ છે:
સુવ્યવસ્થિત પ્રશ્નાવલી અને જાહેર અહેવાલ: જાતિની વિગતો ફક્ત ગણતરી પૂરતી નહિ હોવી જોઈએ, પરંતુ તેના આધારે સામાજિક-આર્થિક નીતિઓ ઘડી શકાય તેવો ડેટા એકત્રિત કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે તાજેતરમાં કરવામાં આવેલ તેલંગાણા મોડેલ તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવું સર્વે દેશભરમાં લાગુ કરવું જોઈએ અને દરેક જાતિ અંગે સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ.
નવમી અનુસૂચિમાં અનામત કાયદાનો સમાવેશ: જેમ 1994માં તમિલનાડુ અનામત કાયદો બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કર્યો હતો, તેમ તમામ રાજ્યોના અનામત કાયદા પણ તેમાં સમાવિષ્ટ થવા જોઈએ. સાથે જ SC, ST અને OBC માટે અનામત પરની 50% મર્યાદા બંધારણીય સુધારાથી દૂર કરવી જોઈએ.
કલમ 15(5) અમલ માટે નવો કાયદો: ખડગેએ યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટે 2014માં કલમ 15(5) માન્ય ઠેરવી હતી. હવે નવા કાયદા દ્વારા તેનો અમલ મજબૂત કરવો જોઈએ, ખાસ કરીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગુ કરવા માટે.
પત્રના અંતે ખડગેએ સ્પષ્ટ કર્યું કે જાતિ વસ્તી ગણતરી કોઈ પણ રીતે વિભાજનકારી નથી, પણ તે પછાત વર્ગોને અધિકાર આપવા માટેનું એક સાધન છે. તેમણે પીએમ મોદીને આ મહત્વપૂર્ણ મુદ્દા પર તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવાની વિનંતી કરી છે.