ઓડિટ રિપોર્ટ જરૂરી હોય તેવા વિશેષ કેસો માટેના ઇન્કમ ટેક્સ રિટર્ન(આઇટીઆર) ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારી 31 ઓક્ટોબર કરી છે તેમ સીબીડીટીએ જણાવ્યું છે. નવી ડેડલાઇન 31 ઓક્ટોબર કરવામાં આવી છે. સીબીડીટીએ મોડી રાતે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાંથી મળેલા અહેવાલોને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ જે લોકોના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી હોય છે તેમના માટે આઇટીઆર અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2019થી વધારીને 31 ઓક્ટોબર, 2019 કરવામાં આવી છે.
આ અંગેનું ઔપચારિક નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આઇટીઆરની આ કેટેગરી એવા એકમોને લાગુ પડે છે જેમની આકારણી આઇટી એક્ટની કલમ 44એબી હેઠળ કરવામાં આવે છે. જેમાં કંપનીઓ, ભાગીદારી પેઢીઓનો સમાવેશ થાય છે જેમને ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરતા પહેલા ઓડિટ કરાવવું જરૂરી હોય છે. કંપનીમાં વર્કિગ પાર્ટનર તરીકે કામ કરતા કેટલાક વ્યકિતગત લોકો પણ આ કેટેગરીમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આવકવેરા વિભાગ માટે નીતિઓનું ઘડતર કરતી સંસ્થા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ના મુદ્દત લંબાવવાના નિર્ણયથી ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ, ડોકટર અને એન્જિનિયર સહિતના પ્રોફેશનલને તેમના રિટર્ન ફાઇલ કરવા માટે વધુ એક માસનો સમય મળ્યો છે. ચેરિટેબલ ટ્રસ્ટને પણ આ નવી તારીખનો લાભ મળશે