સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીએસ ઝાની ટાટા પ્રોજેક્ટ્સ સંબંધિત લાંચના કેસમાં ધરપકડ કરી છે. આ ઉપરાંત કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ દેશરાજ પાઠક અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ આરએન સિંહ સહિત પાંચ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે બુધવારે જ સીબીઆઈએ એક ખાનગી કંપનીને લાભ અપાવવા માટે કથિત લાંચના કેસમાં ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન બીએસ ઝાના ગુરુગ્રામ કેમ્પસમાંથી 93 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.
શું છે આરોપઃ આરોપ છે કે બીએસ ઝા ગેરકાયદેસર ચૂકવણીના બદલામાં ટાટા પ્રોજેક્ટ્સને વિવિધ પ્રોજેક્ટ્સમાં ફાયદો કરાવી રહ્યા હતા. પીટીઆઈના અહેવાલ મુજબ સીબીઆઈ ઝા પર નજર રાખી રહી હતી. દરમિયાન, તપાસ એજન્સીને એક ઇનપુટ મળ્યો કે ઝા વિવિધ કામો માટે ટાટા પ્રોજેક્ટ્સ અને અન્ય કંપનીઓના અધિકારીઓ પાસેથી લાંચ લેતા હતા. સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર બીએસ ઝા હાલમાં ઈટાનગરમાં તૈનાત છે.