CBIએ ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરને સંડોવતા વીડિયોકોન લોન કેસ મામલામાં ગુરુવારે એફઆઈઆર દાખલ કરી છે. FIR બાદ તપાસ એજન્સીએ વીડિયોકોન અને ન્યૂપાવર મહારાષ્ટ્ર સહિત સંખ્યાબંધ સ્થળો પર દરોડા પાડ્યા હતા.
2012માં ICICI બેંકને 3250 કરોડ રૂપિયાના લોન મામલામાં સીબીઆઈ તપાસ કરી રહી છે, જેમાં આ FIR દાખલ કરવામાં આવી અને રેડ પાડવામાં આવી છે. સીબીઆઈએ મહારાષ્ટ્રમાં વીડિયોકોન અને ન્યૂપાવરની ઑફિસમાં રેડ પાડી છે. મહત્વનું છે ન્યૂપાવર પ્રાઈવેટ લિમિટેડમાં ચંદા કોચરના પતિ દીપક કોચરની પણ ભાગીદારી છે. આ મામલામાં CBIએ પાછલા વર્ષે માર્ચમાં વીડિયોકોન પ્રમોટર વેણુગોપાલ ધૂત, દીપક કોચર અને અન્ય વિરુદ્ધ ગયા વર્ષે એક પ્રારંભિક તપાસ શરૂ કરી હતી. જેમાં મળેલા પુરાવાના આધારે FIR દાખલ કરવામાં આવી છે.
આ મામલો વીડિયોકોન ગ્રુપને 2012માં ICICI બેંકથી 3250 કરોડ રૂપિયાની લોન આપવા સાથે જોડાયેલો છે. ચંદા કોચર પર લોન અપાવવામાં અનિયમિતતા કરી હોવાનો આરોપ લાગ્યો છે. વીડિયોકોનને આપવામાં આવેલી 3250 કરોડની રકમ કુલ 40 હજાર કરોડ રૂપિયાની લોનનો એક ભાગ હતી, જેને વીડિયોકોન ગ્રુપે SBIના નેતૃત્વમાં 20 બેંક પાસેથી લીધી હતી.
ચંદા કોચર પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના પતિ દીપક કોચરની કંપનીને ખોટી રીતે લાભ પહોંચાડ્યો હતો. વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે તેમણે 2010માં 64 કરોડ રૂપિયા ન્યૂપાવર રીન્યૂએબલ્સ પ્રાઈવેટ લિમિટેડને આપ્યા. કંપનીને ધૂતે દીપક કોચર સાથે મળીને ઉભી કરી હતી. ચંદા કોચરે ગત વર્ષે ઓક્ટોબરમાં ICICI બેંકના CEO પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચંદા કોચરની સામે CBI દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવતા બેન્કીંગ સેક્ટરમાં ખળભળાટ વ્યાપી ગયો છે.