નવી દિલ્હી: સીબીએસઈ (CBSE) બોર્ડની 10 અને 12 ની પરીક્ષાનું પરિણામની તારીખ નજીક આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ 15 જુલાઇએ પરિણામ જાહેર કરશે. આ માટે, બોર્ડ તૈયારી કરી રહ્યું છે અને તે જ સમયે વિદ્યાર્થીઓને એક ખાસ એસએમએસ મોકલીને પરિણામ જોવા માટે ડિજિલોકર (Digilocker) મોબાઇલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું કહ્યું છે. વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર તેમની માર્કશીટ જોઈ શકશે.
ડિજિલોકર એપ્લિકેશનમાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે
કોરોના વાયરસ રોગચાળાને કારણે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જ બંધ થઈ ગઈ હતી. આ પછી, જૂનના અંતમાં, બોર્ડે આ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો અને પરીક્ષા કરાયેલા વિષયોના આધારે પરિણામ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
હવે બોર્ડે તમામ ઉમેદવારોને આ સંદેશ મોકલ્યો છે, જેમાં તેમને માર્કશીટ જોવા અને ડાઉનલોડ કરવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. ડિજિલોકર એ કેન્દ્ર સરકારની એક એપ્લિકેશન છે, જેમાં ભારતીય નાગરિકો તેમના તમામ મૂલ્યવાન દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં રાખી શકે છે અને જરૂર પડે ત્યારે કોઈપણ ઓનલાઇન એપ્લિકેશનમાં સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે.
એપ્લિકેશન ડાઉનલોડ ફરજિયાત નથી
ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, જોકે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત નથી અને જે વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરવા માંગતા નથી, તેઓ digilocker.gov.in પર લોગઇન કરીને પણ તેમની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.