માણસની વિશિષ્ટ ઓળખ માટે આધારને ફરજિયાત બનાવવા પર દેશભરમાં ચર્ચા ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકાર હવે દૂધાળાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસ માટે પણ 12 આંકડાની વિશિષ્ટ ઓળખ સંખ્યા ઇશ્યુ કરવાની તૈયારીમાં છે. તેનો ઉપયોગ કરીને ગાયો અને ભેંસોની ઓળખ આપવાની અને દૂધ ઉત્પાદનને ઉત્તેજન આપવાની યોજના છે.
સરકારે દેશના 9 કરોડ દૂધાળું પશુઓની ઓળખ સ્થાપિત કરવા માટે રૂ.148 કરોડની રકમ પણ ફાળવી દીધી છે. કૃષિપ્રધાન રાધામોહન સિંહે સોમવારે લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી. લોકસભામાં બે સભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કૃષિ પ્રધાન રાધામોહન સિંહે જણાવ્યું કે પશુઓના વૈજ્ઞાનિક પ્રજનન, રોગોના ફેલાવા પર નિયંત્રણ અને દૂધ ઉત્પાદનના વેપારમાં વધારો કરવાના હતું માટે આ કરવામાં આવશે.
રાધામોહન સિંહે જણાવ્યું કે રાષ્ટ્રીય પશુ ઉત્પાદકતા મિશનના `પશુ સંજીવની’ હેઠળ તેને લાગુ કરવામાં આવી રહ્યું છે. સિંહના જણાવ્યા અનુસાર, ટેકનિકની રીતે તેને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અગાઉ પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદન સંબંધિત સૂચના નેટવર્ક (INAPH) વિકસિત કરી ચૂક્યું છે. હવે તેને 12 અંકની વિશિષ્ટ ઓળખ સંખ્યાના પોલિયુરિથિન ટેગનો પ્રયોગ કરીને પશુ ઓળખ સંબંધી ડેટા અપલોડ કરવા માટે રાષ્ટ્રીય ડેટાબેઝ સ્વરૂપમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.