ચંદ્રયાન-૨નું લેન્ડિંગ મોડ્યુલ વિક્રમ શનિવારે વહેલી સવારે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે અને આ શ્વાસ થંભાવી દે તેવી ભારે કટોકટીભરી ક્ષણોની પ્રતીક્ષા ઇસરોના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.ચંદ્રની ધરતી પર આ વિક્રમ લેન્ડર સફળ ઉતરાણ કરશે તો ચંદ્રની ધરતી પર યાન ઉતારનાર ભારત ચોથો દેશ બનશે, અત્યાર સુધી રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર યાન ઉતારનાર તો ભારત પ્રથમ દેશ હશે. અત્યાર સુધી વિશ્વના કોઇ દેશે પોતાનું યાન ચંદ્રના આ વિસ્તારમાં ઉતાર્યુ નથી. ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલુ લેન્ડર હાલ ચંદ્રની આજુબાજુની જે ભ્રમણકક્ષામાં છે ચંદ્રની સપાટીથી માત્ર ૩પ કિ.મી. જ દૂર છે અને આ તે સૌથી નજીકનું બિંદુ છે જ્યાંથી તે ચંદ્રની ધરતી તરફની પોતાનો અંતિમ પ્રવાસ શરૂ કરશે.
શનિવારે વહેલી સવારે દોઢથી અઢી વાગ્યા વચ્ચે વિક્રમ ચંદ્રની ધરતીને સ્પર્શ કરશે.
ચંદ્રયાન-૨માંથી છુટૂં પડેલું વિક્રમ લેન્ડર પોતાની અંદર પ્રજ્ઞાન રોવર પણ ધરાવે છે. આ રોવરની સાથે સાતમી સપ્ટેમ્બરે મધરાત પછી ૧ થી ૨ વાગ્યા વચ્ચે તેની પાવર્ડ ડિસેન્ટ શરૂ થશે અને ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે ૧.૩૦ થી ૨.૩૦ વચ્ચે તે ચંદ્રની ધરતી પર ઉતરે તેવી અપેક્ષા છે. એક વાર આ ઉતરાણ થઇ જાય પછી સવારે પ.૩૦થી ૬.૩૦ દરમ્યાન પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળશે અને ચંદ્રની સપાટી પર પ્રયોગો શરૂ કરશે. તે એક ચંદ્ર દિવસ સુધી પોતાના પ્રયોગો કરશે. ચંદ્રનો એક દિવસ પૃથ્વીના ૧૪ દિવસ જેટલો હોય છે.
ચંદ્ર પર યાન ઉતારવાની ઇસરો માટે આ પહેલી કામગીરી છે અને ઉતરાણની ક્ષણો કયામત જેવી હશે.
ભારતીય અવકાશ સંસ્થા ઇસરો આ પહેલી વખત ચંદ્રની ધરતી પર પોતાનું યાન ઉતારી રહી છે અને લેન્ડર વિક્રમના ઉતરાણની ક્ષણો તેના માટે ખૂબ જ ચિંતાની અને શ્વાસ થંભાવી દેનારી હશે. ઇસરોના અધ્યક્ષ કે. સિવાને જણાવ્યું હતું કે વિક્રમ ચંદ્રની ધરતીથી ૩૦ કિ.મી. દૂર હશે ત્યાંથી તેને સોફ્ટ લેન્ડિંગ કરાવવા માટેની યાત્રા શરૂ કરાવવામાં આવશે અને આ પ્રક્રિયાને ૧પ મિનિટ જેટલો સમય લાગશે. જ્યાં વાતાવરણ નથી ત્યાં આ યાનને ઉતારવા માટે ખૂબ કાળજી રાખવી પડશે અને પ્રોપલ્ઝન સિસ્ટમનો ઉપયોગ કરીને સ્થિરતા જાળવી પડશે અને ગુરુત્વાકર્ષણ અને એન્જિનના થ્રસ્ટ (ધક્કા) વચ્ચે સમતુલા પણ જાળવવી પડશે. આ ક્ષણો ભારે કટોકટીની હશે એમ ખુદ ઇસરો વડાએ કહ્યું છે.
વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચોક્કસ ક્યાં ઉતરશે?
ઇસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-૨ તેના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મેઝીનસ સી અને સિમ્પેલિયસ એન નામની બે ફાંટો વચ્ચેની એક ઉંચી ટેકરીના મેદાન પર સોફટ લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરશે જે ચંદ્રના ૭૦ અંશ દક્ષિણ રેખાંશની નજીક છે.
વિક્રમ અને પ્રજ્ઞાન પોતાની સાથે ભારતના કેટલાક પ્રતીકો પણ લઇ ગયા છે
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પોતાની સાથે અશોક ચક્ર, ભારતીય ધ્વજ, ઇસરોનો સિમ્બોલ વગેરે જેવા ભારતના કેટલાક પ્રતીકો પણ લઇ ગયા છે જે ચંદ્રની ધરતી પર લાંબા સમય સુધી રહેશે.
આ લેન્ડિંગ જોવા માટે મોદી બેંગલોરમાં હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ જોવા માટે શુક્રવારે જ બેંગલુરુ પહોંચી જશે. તેઓ ત્યાં આવેલ ઇસરોની ઇસ્ટ્રાક સવલતની કેબિનમાં બેસીને આ ઉતરાણ જોશે. તેમની સાથે અહીં આ ઉતરાણ જોવામાં દેશભરમાંથી આવેલા લગભગ ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓ પણ જોડાશે એમ ઇસરોએ જણાવ્યું છે.