Chenab River: જમ્મુમાં ચિનાબ નદી ઊફાન પર વરસાદ બાદ પાણીનું સ્તર વધ્યું, લોકો માટે એલર્ટ જારી
Chenab River જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના પગલે ચિનાબ નદીના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રિયાસી જિલ્લાથી લઈને અખનૂર સેક્ટર સુધી નદીમાં પાણીનું વહાન ઝડપથી વધ્યું છે, જેને લઈને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે અને આસપાસના ગામો માટે એલર્ટ પણ જાહેર કર્યો છે.
ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ પછી જમ્મુ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગરમીથી રાહત મળવા સાથે ચિનાબ નદીમાં પાણીનો સ્તર પણ વધી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ માટે રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં બનિહાલ, રામબન, અનંતનાગ અને બટોટ સહિતના વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી છે. ખાસ કરીને પહાડીઓ અને ઢાળવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને પથ્થરો ખસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત, 2 થી 11 મે વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં વારંવાર વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. ખાસ કરીને 9 થી 11 મે દરમ્યાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને પવનની ઝડપ 40 થી 50 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.
તાપમાનની દ્રષ્ટિએ, શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 14.4°C નોંધાયું છે, જ્યારે ગુલમર્ગમાં 4.3°C, પહેલગામમાં 9.4°C અને જમ્મુમાં 18.8°C નોંધાયું છે.
ચિનાબ નદી, જે હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે અને જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થાય છે, પાકિસ્તાન તરફ વહે છે. ભારત-પાકિસ્તાનની પૂર્વ સિંધુ જળ સંધિ (હવે રદ કરાયેલ) હેઠળ આ નદીનું મોટાભાગનું પાણી પાકિસ્તાનને આપવામાં આવતું હતું.
હાલે વહીવટીતંત્ર સ્થાનિક લોકોને નદીની નજીકના વિસ્તારમાં ન જવાની સલાહ આપી રહ્યું છે અને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.