ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક પિતાની બેદરકારીએ પાંચ વર્ષની દીકરીના જીવને જોખમમાં મૂકી દીધો. આ ઘટના ઝાંસીના સીપરી બજારની છે. જ્યાં એક પિતા પોતાની દીકરીને લઇ મીઠાઇ લેવા માટે સ્કૂટી પર ગયા હતા. દીકરી સ્કૂટીમાં આગળ ઉભી હતી. દીકરીએ સ્કૂટીમાં એક્સિલેટર માર્યું અને સ્કૂટી સીધું દુકાનમાં ઘૂસ્યું અને બાળકી ઉકળતા તેલમાં અને જલેબીની ચાસણીમાં જઇ પડી. આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઇ ગઇ.
વાત એમ હતી કે દીકરી પિતા સાથે મીઠાઇની દુકાને આવી હતી. સ્કૂટીને દુકાન પાસે રોક્યુ અને જેવું તેઓ દુકાનની તરફ જવાનું વિચારી રહ્યા હતા ત્યાં અચાનક જ બાલકીએ ચાવી લગાવી સ્કૂટીનો સેલ્ફ સ્ટાર્ટ કરી દીધો અને એક્સીલેટર આપ્યું. સ્કૂટી ફર્રાટા ભરી આગળ વધ્યું અને ગરમ જલેબીની ચાસણી અને ગરમ તેલની તાવડી સાથે ટકરાયું. માસૂમ બાળકી ગરમ ચાસણી અને અને ગરમ તેલ ઉપર પડતા દાઝી ગઇ છે.
આસપાસ હાજર લોકોએ બાળકીને ફટાફટ ઉઠાવી અને હોસ્પિટલમાં પહોંચાડી દીધી. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે.