જમ્મૂ-કાશ્મીરમાં લોહી થીજવી નાંખે તેવી ઠંડી પડી રહી છે. હાલ કારગીલને સૌથી કોલ્ડ એરિયા તરીકે ગણવામાં આવી રહ્યું છે. કાશ્મીર ખીણમાં 40 દિવસ સુધી ચાલનારા કોલ્ડ વેવના દૌરને ચિલ્લે કલાં કહેવામાં આવે છે. આ ચિલ્લે કલાં હવે તેના અંતિમ તબક્કામાં હોવાનું હવામાન ખાતું જણાવી રહ્યું છે.
કાશ્મીરમાં ઠંડીની સિઝનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગને ચિલ્લે કલાં, દ્વિતીય તબક્કાને ચિલ્લે ખુર્દ અને ત્રીજા અને અતિમ તબક્કાને ચિલ્લે બચ્ચે કહેવામાં આવે છે. હાલ ચિલ્લે કલાં ચાલી રહ્યું છે.
ચિલ્લે કલાંનો સમયગાળો 40 દિવસનો હોય છે. 21 ડિસેમ્બરથી શરૂ થઈ 31મી જાન્યુઆરી સુધી આ ચિલ્લે કલાં ચાલે છે.
ઓછા સમય ગાળાની ઠંડીના તબક્કાને ચિલ્લે ખુર્દ કહેવામાં આવે છે. ચિલ્લે ખુર્દ 20 દિવસ સુધી ચાલે છે અને ત 31મી જાન્યુઆરીથી શરૂ થઈ 19મી ફેબ્રુઆરી સુધી ચાલે છે.
જ્યારે ચિલ્લે બચ્ચા(બેબી કોલ્ડ) ફેબ્રુઆરીની 20થી શરૂ થઈ બીજી માર્ચ સુધી ચાલે છે.
ચિલ્લે કલાંનો આ વખતે ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. કાશ્મીર બરફની ચાદરમાં ફેરવાઈ ગયું છે. તાપમાન માઈનસ સાત ડીગ્રી પર પહોંચી ગયું છે. દલ લેક બરફ બની ગયું છે. પર્વતોની ટેકરીઓ, ડુંગરો પર માત્ર અને માત્ર બરફ જોવા મળી રહ્યો છે. હિમ પ્રપાતના કારણે કાશ્મીર ખીણ જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં ચિલ્લે કલાંની ઠંડી શુષ્કતાનો અનુભવ કરાવી રહી છે.
1986 પછી ચિલ્લે કલાંમાં લોહી થીજવી નાંખે તેવી ઠંડનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ ઠંડી પોતાનો રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે એમ છે. રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. લોકેને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. લોકોની સાથે પર્યટકો પણ કફોડી સ્થિતિમાં મૂકાઈ જવા પામ્યા છે. મહાભયાનક ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે.
માત્ર કાશ્મીર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ ઠંડીએ રેકોર્ડ તોડી નાંખ્યા છે.