ફરી એક વાર ચીને જૈશના ચીફ આતંકી મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાંથી બચાવી લીધો છે. ચીને યુનોમાં પોતાના વિટો પાવરો ઉપયોગ કર્યો છે. મહત્વની વાત એ છે કે યૂકે, ફ્રાન્સ અને જર્મની મસુદ અઝહરની વિરુદ્વમાં પહેલેથી જ હતા. પુલવામા હુમલામાં મસુદને માસ્ટર માઈન્ટ હતો અને હાલ તે પાકિસ્તાનમાં છે.
યુનોની સિક્યોરીટી કાઉન્સીલમાં ચોથી વાર ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક લગાવવા માટે ચીન પાસે આજે રાત્રે 12.30 વાગ્યા સુધીનો જ સમય હતો. મસુદ અઝહરે પુલવામામાં આતંકી હુમલો કરાવ્યો હતો જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. આ નિર્મમ ઘટનાના પગલે ભારતે વિશ્વ સમુદાયને મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો અને તેના અનુસંધાનમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નિર્ણયથી અમે નારાજ છીએ. પરંતુ અમે તમામ વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. જેથી કરીને ભારતીય નાગરિકો પર થયેલા હુમલામાં સંડોવાયેલા આતંકીઓને ન્યાયના કઠેરામાં ઉભા કરી શકાય. ભારત એ દેશોનો આભારી છે જેમણે મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટેના પ્રયાસોમાં અમારું સમર્થન કર્યું છે.