છોટા રાજનની ગેંગનાં ગેંગસ્ટર રવિ પુજારીની દક્ષિણ આફ્રિકાના સેનેગલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ ત્રણ રાજ્યો વચ્ચે ક્રેટીડ લેવાની હોડ ચાલી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર છે. ત્રણેય રાજ્યોએ રવિ પુજારી પકડાયો તેમાં પોતાની ભૂમિકા મહત્વની હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપ અને JDS આ મામલે આમને સામને આવી ગયા છે.
ગુજરાત એટીએસે કહ્યું છે કે રવિ પુજારી અંગે ગુજરાત પોલીસ દ્વારા સેન્ટ્રલ એજન્સીને આપવામાં આવેલી ટીપ્સના કારણે તેની ધરપકડ શક્ય બની છે. ગુજરાત પોલીસે જ સેન્ટ્રલ એજન્સીઓને રવિ પુજારી સેનેગલમાં હોવાની જાણકારી આપી હતી.
જ્યારે મુંબઈ પોલીસે કહ્યું છે કે રવિ પુજારી અંગેની સંપૂર્ણ માહિતી સેન્ટ્રલ એજન્સીને પુરી પાડવામાં આવ્યા બાદ જ તેની ધરપકડ શક્ય બની શકી છે.
દરમિયાનમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે કર્ણાટકના ડીજી અને આજીપી નીલામની રાજુ અને એડીજીપી ડો.અમર કુમાર પાંડે દ્વારા રવિ પુજારી અંગેનો સચોટ રિપોર્ટ સેન્ટ્રલ એજન્સીને આપવામાં આવ્યો હતો અને તેના કારણે જ રવિ પુજારીની ધરપકડ થઈ શકી છે. કર્ણાટક સરકારે રવિ પુજારીની ધરપકડ પહેલાં તેનાં અંગેનો ડિટેઈલ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
કુમારસ્વામીએ કહ્યું કે એડીજીપી અમરકુમાર પાંડેએ રવિ પુજારી અંગે નેશનલ ક્રાઈમ એજન્સીને રેડ કોર્નર નોટીસ સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. રવિ પુજારી દ્વારા ગુયેના, બુરકીના અને સેનેગલમાં રેસ્ટોરન્ટની ચેઈન છે અને તે અંગેની સચોટ માહિતી સેન્ટ્રલ એજન્સીને આપવામાં આવી હતી. આ ઉપરાંત રવિ પુજારીના પાર્ટનર ઈવોરી કોસ્ટ અંગે પણ જાણકારી અપાઈ હતી. પુજારી એન્ટોની ફર્નાન્ડીઝના નામથી રહેતો હતો તે પણ કર્ણાટક પોલીસે શોધી કાઢ્યું હતું. આ નામથી બુરકીનાનો પાસપોર્ટ રાખતો હતો. તે પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
કુમારસ્વામીના દાવા અંગે કર્ણાટક ભાજપે કહ્યું કે કર્ણાટકમાં ગુનાખોરી રોકવામાં યુતિ સરકાર નિષ્ફળ ગઈ છે. ભાજપે ધારાસભ્ય આનંદસિંહ પર હુમલા કરનાર કોંગ્રેસના ધારાસભ્ય જે.એન.ગણેશની ધરપકડ કરવાની માંગ કરી હતી.
કુમારસ્વામીએ કહ્યું ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા આવા સવાલો કરી રહી છે. જ્યારે સરકારમાં હતા ત્યારે કેમ આવી વાત કરી ન હતી. ધારાસભ્ય ગણેશ વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવાનું તેમણે કહ્યું હતું.