સુપ્રીમ કોર્ટે ભારતમાં કોકા કોલા અને થમ્સ અપના વેચાણ પર પ્રતિબંધ લગાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી બુધવારે રદ્દ કરવાની સાથે અરજી કરનારા પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જજ ધનન્જય વાઈ. ચંદ્રચૂડ, જજ હેમંત ગુપ્તા અને જજ અજય રસ્તોગીની બેન્ચે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી સુનાવણી કરતા અરજી કરનારા ઉમેદ સિંહ પી. ચાવડાની અરજી રદ્દ કરી દીધી છે. જજોની બેન્ચે કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 32 અંતર્ગત આ પ્રકારની અરજી દાખલ કરવી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે.
પોતાને સામાજિક કાર્યકર્તા કહેનારા ઉમેદ સિંહ ચાવડાએ અરજીમાં દાવો કર્યો હતો કે, આ ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે, જજોની બેન્ચે અરજી રદ્દ કરતા કહ્યું હતું કે, અરજી આ વિષય અંગે કોઈપણ પ્રકારની ટેકનિકલ જાણકારી વિના જ દાખલ કરવામાં આવી છે અને તેમાં કરવામાં આવેલા દાવાના સમર્થનમાં કંઈ જ નથી. સુપ્રીમ કોર્ટે અરજી કરનારા ઉમેદ સિંહ પી. ચાવડાની અરજીને રદ્દ કરતા કહ્યું હતું કે, તેમના વકીલ એ જણાવવામાં નિષ્ફળ રહ્યા કે, વિશેષરીતે બે વિશિષ્ટ બ્રાન્ડોને કાર્યવાહીના લક્ષ્ય માટે શા માટે પસંદ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે અરજી કરનારાના વકીલને સુનાવણી બાદ કહ્યું, અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, અનુચ્છેદ 32 અંતર્ગત અધિકાર ક્ષેત્રનું આહ્વાન કરવું જનહિત અરજીમાં અધિકાર ક્ષેત્ર માટે એક શત્રુતાપૂર્ણ પ્રતિબંધ નથી. આ ઉપરાંત, અરજીના એક આદેશને રદ્દ કરવા ઉપરાંત, અનુકરણીય દંડ લગાવવાનો નિર્દેશ આપવો આવશ્યક છે.
જજોની બેન્ચે અરજી કરનારા ઉમેદ સિંહ ચાવડા પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવતા આદેશ આપ્યો છે કે, આ રકમ એક મહિનાની અંદર સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવામાં આવે, જેને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશનને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, થમ્સ અપ અને લિમ્કા જે આજે કોકા કોલા કંપનીની પ્રોડક્ટ છે, તેને એક સમયે ભારતીય કંપની પાર્લેએ શરૂ કરી હતી. આ વાત કદાચ તમારા માટે ચોંકાવનારી હશે કે, 70ના દાયકામાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે દેશની સરકારે કોકા કોલા કંપનીની સામે એવી શરત મુકી હતી કે, તેણે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દેવો પડ્યો હતો. કોકા કોલાની ભારતમાંથી વિદાયની સાથે જ દેશમાં થમ્સ અપનો જન્મ થયો હતો.