નવી દિલ્હી: ઈડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ગુરુવારે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની લોન્ડરિંગ અંગે કરાઈ રહી છે.
ચોથી વખત ફૈઝલની પૂછપરછ થઈ
અધિકારીઓએ કહ્યું કે ફૈઝલને પૂછાયું હતું કે તેનો સ્ટર્લિંગ બાયોટેકના માલિક સાંડેસરા બંધુઓ સાથે પૈસાની આપ-લે અંગે શું સંબંધ છે. આ ચોથી વખત છે કે જ્યારે ફૈઝલની પૂછપરછ થઈ છે. એજન્સી અગાઉ ત્રણવાર તેની પૂછપરછ કરી ચૂકી છે. ફૈઝલની સાથે જ અહમદ પટેલના જમાઈ ઈરફાન સીદ્દીકીની પણ પૂછપરછ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ બાયોટેક પર આંધ્ર બેન્કમાંથી 14,500 કરોડના લોન ગોટાળાનો આક્ષેપ છે. સાંડેસરા બંધુઓ અને તેમના પરિવારજનો આ કૌભાંડ બહાર આવ્યા પછી દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ દુબઈમાં હોવાનું અગાઉ મનાતું હતું પણ હવે એવા અહેવાલ છે કે તેઓ વેનેઝુએલામાં છુપાયા છે. વેનેઝુએલામાં સાંડેસરા બંધુઓએ ઓઈલ બિઝનેસ પણ શરૂ કર્યો હતો. આંધ્ર બેન્કમાં કરોડોની લોન લઈને શેલ કંપનીઓ વડે આ નાણાં દેશ બહાર મોકલાયા હોવાનું પણ એજન્સીએ જણાવ્યું છે. આથી હાલમાં સ્ટર્લિંગ બાયોટેક સામે ઈડી અનેક પ્રકારના કેસની તપાસ કરી રહ્યું છે.