(સૈયદ શકીલ દ્વારા): કોંગ્રેસના કોઈ પણ નેતાએ ગ્રાઉન્ડ લેવલ પરની પકડ ગૂમાવી દીધી છે. એક પણ નેતાની તાકાત નથી કે તેઓ પક્ષ કે પોતાના આપબળે જીતી શકે. એવું લાગે છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ ભાજપને 50 વર્ષ સુધીની સત્તા તાસકમાં ભેટ ધરવાનું લાંબાગાળાનું આયોજન કરી લીધું છે.
એક પછી એક ચૂંટણીમાં કારમી હાર અને સ્થિતિ એવી બની રહી છે કે ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ રહી છે. દેશમાં કોંગ્રેસ માટે આ વાતાવરણ કોંગ્રેસના શિર્ષ નેતૃત્વની નિષ્ફળતા જ નહીં પણ પ્રદેશ અને સ્થાનિક નેતાઓની પણ સંગઠનનાં નામે ચાલી રહેલી લાલિયાવાડીની ચાડી ખાય છે. કોંગ્રેસને હવે હાર સિવાય બીજું કશું ખપતું નથી અને જીત તો જરાય જોઈતી નથી.
કોંગ્રેસના નેતાઓ હજુ પણ કૂંભકર્ણી નિદ્રામાં હોય અથવા તો તેઓ રાજકીય આત્મઘાતી બોમ્બ બનીને ફરી રહ્યા છે અને જ્યાંને ત્યાં કોંગ્રેસને જ ખતમ કરી રહ્યા છે. યુપી,રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત. હરિયાણા હોય કે દિલ્હી હોય કોંગ્રેસ દિવસે દિવસે જમીનમાં વધુને વધુ ધસતી જઈ રહી છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો પડકાર ફેંક્યા બાદ અને સારી એવી સીટો જીતનારા વિપક્ષની રેવડી હવે દાણ દાણ થઈ રહી છે. હવે ઈન્ડિયા નામના અલાયન્સની કોઈ વાત કરતું નથી. બધા પોતપોતાનાં રસ્તે લાગી ગયા છે. દિલ્હીમાં તો કેજરીવાલે કોંગ્રેસને એક પણ સીટ નહીં આપવાની જાહેરાત કરી અને ગઠબંધન કરવાની વાતને સમૂળગી રીતે ફગાવી દીધી હતી. હાથના કર્યા હૈયે વાગે છે તેવી રીતે કેજરીવાલ આણિ મંડળી માટે દિલ્હીની ચૂંટણીની હાર મોટો આંચકો છે.
લોકસભાની જેમ દિલ્હીમાં ગઠબંધન કરી લીધું હોત તો આપ અને કોંગ્રેસની આબરુના જે લીરેલીરા ઉડ્યા છે તેમાંથી બચી ગયા હોત. પરંતુ નેતાઓના અહંકારે દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે અને હવે 20-25 વર્ષ દિલ્હીમાં ભાજપનું રાજ રહેશે એ કહેવામાં અતિશિયોક્તિ લેખાશે નહીં.
કોંગ્રેસના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીનાં નહોર કાપી નાંખ્યા છે. એકલો રે જાણે ની જેમ રાહુલ ગાંધી લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી કોંગ્રેસને બેઠી કરવા સતત મહેનત કરી રહ્યા છે પણ ચૂંટણીના મેદાનમાં રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીની મહેનત પર નેતાઓ અને કાર્યકરો પાણી ફેરવી રહ્યા છે અને એવું લાગે છે કે ફેરવતા જ રહેશે.
કેવી રીતે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડે છે તે લોકોને સમજાતું નથી. કેટલાક તો કહે છે કે કોંગ્રેસ ચૂંટણી લડે છે જ શું કામ…? રુપિયા-પૈસા વેડફીને ચૂંટણી લડવાની હોય અને છેવટે હાર માટે જ લડતા હોય તો એના કરતાં તો વધારે હવે કોંગ્રેસે ચૂંટણીમાં ભાગ જ લેવો જોઈએ નહીં. જોકે, ભાજપનો દાખલો લઈએ તો પાર્ટીના સ્થાપનાકાળથી કાર્યકરો લાગલગાટ મંડેલા છે અને સરકારો આવ્યા પછી પણ જપતા નથી અને સતતને સતત લોકો વચ્ચે ગાળ ખાઈને પણ જાય છે.
કોંગ્રેસ પાસે બૂથ, વોર્ડ, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગામે ગામ સંગઠન હોવાનો દાવો કરવામાં આવે છે પણ જેવી ચૂંટણી આવે છે કે કોંગ્રેસનું સંગઠન ક્યા સ્મશાન ઘાટ કે કબ્રસ્તાનમાં પહોંચી જાય છે તે કળી શકાતું નથી. માંહે માંહે ચૂંટણી લડીને ઘર ભરો અભિયાન કરતાં કોંગ્રેસના નેતાઓ હવે નહીં સુધરે એવું માની લેવામાં કોઈ અતિશિયોક્તિ નથી.