તેલંગાણામાં કોંગ્રેસે પોતાનું 55 વર્ષ જૂનું સપનું પૂરું કર્યું છે. હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીનો ગઢ ગણાતા ચારમિનાર વિસ્તારમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રથમ વખત પોતાનું કાર્યાલય ખોલ્યું છે. આ વખતે કોંગ્રેસ માત્ર KCRની TRSને હટાવીને તેલંગાણામાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી નથી પરંતુ દક્ષિણમાં ભાજપની ગતિને રોકવા પણ માંગે છે. ઓવૈસીની AIMIM આ વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. બીજી તરફ કોંગ્રેસ AIMIM અને TRS વચ્ચે ગઠબંધન હોવાનો આરોપ લગાવતી રહે છે.
રિપોર્ટ અનુસાર કોંગ્રેસ ચીફ રેવંત રેડ્ડી રાજ્યમાં આક્રમક વ્યૂહરચના હેઠળ કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તમામ વોર્ડમાં કોંગ્રેસ કાર્યાલયો ખોલવામાં આવશે. આ સિવાય રેવંત રેડ્ડી પોતે તમામ ઓફિસમાં જઈને ભાષણ આપશે. કોંગ્રેસના એક નેતાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટી 1967ની શરૂઆતમાં મુસ્લિમ બહુમતીવાળા ચારમિનાર વિસ્તારમાં તેનું કાર્યાલય ખોલવા માંગતી હતી, પરંતુ અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસીની જીત બાદ આ યોજના બદલાઈ ગઈ હતી. સલાહુદ્દીન ઓવૈસી અહીંથી અપક્ષ ચૂંટણી જીત્યા હતા.
1981 સુધી આ બેઠક પર માત્ર અપક્ષ ઉમેદવારો જ ચૂંટણી જીતતા હતા. આ પછી 1989થી AIMIMનો આ સીટ પર કબજો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ આ વિસ્તારમાં ક્યારેય ઓફિસ ખોલી શકી નથી. કોંગ્રેસ પાર્ટીમાં એકતા દર્શાવવા માટે ઉદ્ઘાટન કાર્યક્રમમાં હૈદરાબાદ જિલ્લા પ્રમુખ સમીર વલીઉલ્લાહ, પૂર્વ મંત્રી ડૉ. જી. ચિન્ના રેડ્ડી પ્રવક્તા સૈયદ નિઝામુદ્દીન, મહાસચિવ ફિરોઝ ખાન, ઉઝમા શાકિર અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
વલીઉલ્લાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણામાં પુનરાગમન કરશે. રેવંત રેડ્ડી પાર્ટીને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ સિવાય હૈદરાબાદની આખી ટીમ પાર્ટીની પહોંચ વધારવા માટે કામ કરશે. બીજી તરફ શબીરે કહ્યું કે પાર્ટીના આ નવા કાર્યાલયનો ઉપયોગ કેન્દ્ર તરીકે કરવામાં આવશે. આ ઉપરાંત અહીંથી લોકોના પ્રશ્નોની માહિતી લઈને તેના નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.