છેલ્લાં ત્રણ દિવસથી ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદથી લોકોની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ છે. વરસાદ પર મોટા ભાગની નદીઓમાં પૂર આવવાથી મકાનોનો કાટમાળ તણાઈને રસ્તાઓ પર આવી ગયો છે અને તેના કારણે રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. સંપર્ક તૂટી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે કુમાઉ મંડળમાં આગામી ૨૪ કલાક દરમિયાન અતિભારે વરસાદની ચેતાવણી જારી કરી છે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં રવિવાર સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. ૨૪ કલાકનું એલર્ટ જારી થયા બાદ કુમાઉ અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને તંત્ર સતર્ક બન્યું છે. હવામાન વિભાગના અધિકારી બિક્રમસિંહે જણાવ્યું હતું કે, પર્વતીય ક્ષેત્રમાં જનારા પ્રવાસીઓને રોકી દેવામાં આવ્યા છે અને કુમાઉના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અતિ સતર્ક રહેવા જણાવાયું છે. જો વરસાદ નહીં અટકે તો આ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાશે. બીજી તરફ સમગ્ર ઉત્તર ભારતમાં પણ નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં અને ઉત્તર ઓડિશાના સમુદ્રી વિસ્તારની આસપાસ સક્રિય છે. તેનાથી ચક્રવાત પણ આવી શકે છે. વાવાઝોડાની દહેશત પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામોમાં મકાન તણાઈ ગયાં છે. આ મકાનોનો કાટમાળ રસ્તા પર આવી જતાં રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને આ કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. તંત્ર હાલ આ કાટમાળ ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની કોશિશમાં લાગેલું છે. પાંચ રાજ્યમાં જળપ્રલયે ૯૯૩ લોકોના જીવ લીધા, ૧૭ લાખ લોકો શરણાર્થી બનવા મજબૂર કેરળ સહિત દેશના પાંચ રાજ્યોમાં આ ચોમાસા દરમિયાન થયેલા જળપ્રલયના કારણે અંદાજે ૧૭ લાખ લોકોને પોતાના ઘર છોડીને શરણાર્થી બનવા ફરજ પડી છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પૂરના કારણે આ પાંચ રાજ્યોમાં ૯૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર વરસાદ અને પૂરપ્રકોપથી૨૨ ઓગસ્ટ, ૨૦૧૮ સુધીમાં કુલ ૯૯૩ લોકોનાં મોત થયાં છે, જેમાંથી ફક્ત કેરળમાં જ ૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૦૧૮માં પૂરના કારણે લગભગ ૭૦ લાખ લોકોને અસર થઈ હતી, જેમાંથી અંદાજે ૧૭ લાખ લોકોએ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો. રિપોર્ટ અનુસાર, કેરળ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં પૂરને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. ૨૨ ઓગસ્ટ સુધીમાં કેરળમાં કુલ ૩૮૭ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ મળ્યા હતા, પરંતુ હવે વર્તમાન સ્થિતિ પ્રમાણે આ આંકડો ૪૦૦ કરતાં પણ વધુનો હોવાનું કહેવાય છે. અતિભારે વરસાદ અને પૂરના કારણે કેરળ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ૨૦૪, પશ્ચિમ બંગાળમાં ૧૯૫, કર્ણાટકમાં ૧૬૧ અને આસામમાં ૪૬ લોકોનાં મોત થયાં છે. કેરળમાં પૂરપ્રકોપથી અંદાજે ૫૪ લાખ લોકો બેઘર બની ગયા છે, જેમાંથી ૧૪.૫૨ લાખ લોકોને રાહત કેમ્પોમાં શરણ લેવું પડ્યું છે. આ ઉપરાંત આસામમાં ૧૧.૪૬ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જેમાંથી ૨.૪૫ લાખ લોકોએ રાહત શિબિરમાં રહેવું પડ્યું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.