નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરએ સમગ્ર દેશ માટે વધુને વધુ ઘાતક સાબિત થઈ રહી છે. ભારતમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ જોઈ દુનિયાના દેશમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે કોરોના વાયરસની છેલ્લા 24 કલાકની કોરોનાની સ્થિતિ જોઈએ તો કોરોનાએ સતત બીજા દિવસે પણ 4 હજારથી વધુના મોત થયા છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના સંક્રમિત દર્દીઓનીસંખ્યા 4 લાખથી વધુ નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 4.03 લાખ નવા કેસ સામે આવ્યા છે.
રવિવાર 9 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,03,738 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4,092 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,22,96,414 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,94,39,663 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 83 લાખ 17 હજાર 404 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,86,444 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,36,648 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,42,362 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 મે સુધીમાં ભારતમાં કુલ 30,22,75,471 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શનિવારના 24 કલાકમાં 18,65,428 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.