કોરોનાના કેસ દેશમાં રેકોર્ડ બ્રેક સ્પીડે વધી રહ્યા છે, વધુ એકવાર એક જ દિવસમાં સર્વાધિક 77,266 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 33,87,500 થઇ ગયો છે. જ્યારે શુક્રવારે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 25,83948 થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1057નાં મોત થવાની સાથે કુલ મરણાંક વધીને 61,529 થઇ ગયો છે એવું સવારે 8.00 વાગ્યે અપડેટ કરાયેલા ડેટામાં જણાવાયું છે.દેશમાં રિકવરી રેટ 76.28 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુદર ઘટીને 1.82 ટકા થઇ ગયો છે.
ડેટા અનુસાર દેશમાં હાલ કુલ 7,42,023 સક્રિય કેસ છે, જે દેશના કુલ કેસની સરખામણીએ 21.90 ટકા છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર 27 ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ 3,94,77,848 સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાંથી 9,01,338 ટેસ્ટ ગુરૂવારે જ કરવામાં આવ્યા હતા.
દેશમાં નોંધાયેલા નવા 1057નાં મોતમાંથી 355 મહારાષ્ટ્રમાં, 141 કર્ણાટકમાં, 109 તમિલનાડુમાં, 92 આંધ્રપ્રદેશમાં, 68 ઉત્તરપ્રદેશમાં, 53 પશ્ચિમ બંગાળમાં, 37 પંજાબમાં, 24 મધ્યપ્રદેશમાં, 22 દિલ્હીમાં, 17 ગુજરાતમાં, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં 14-14, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 12, અને તેલંગાણા તેમજ ઝારખંડમાં 11-11નાં મોત થયા છે.
આ ઉપરાંત કેરળ અને પુડુચેરીમાં 10-10, ઉત્તરાખંડમાં 9, બિહારમાં 8, ઓડિશામાં 7, ગોવામાં 6, આસામ અને ત્રિપુરામાં 4-4, ચંદીગઢ અને લદાખમાં 2-2 જ્યારે આંદામાન-નિકોબાર અને હિમાચલ પ્રદેશમાં 1-1 મોત થયા છે.