નવી દિલ્હી : કોરોના સંકટને કારણે લાદવામાં આવેલા લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થવાનો છે. આ અગાઉ, આરોગ્ય મંત્રાલય દ્વારા ગ્રીન ઝોનનો નિયમ બદલવામાં આવ્યો છે. હવે જે જિલ્લામાં છેલ્લા 21 દિવસથી કોઈ નવા કેસ નહીં આવે તે ગ્રીન ઝોનમાં શામેલ થશે. પ્રથમ 28 દિવસમાં જો નવો કેસ ન આવે તો ગ્રીન ઝોનનો દરજ્જો મળતો હતો.
આરોગ્ય મંત્રાલયના નવા વર્ગીકરણ મુજબ, છેલ્લા 21 દિવસમાં (અગાઉના 28 દિવસને બદલે) કોઈ કેસ નોંધાયેલ ન હોય તો જિલ્લાને ગ્રીન ઝોન તરીકે ગણવામાં આવશે. મંત્રાલયે દેશના 319 જિલ્લાને ગ્રીન ઝોન તરીકે જાહેર કર્યા છે. તે જ સમયે, 134 જિલ્લાઓને રેડ ઝોન અને 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદ સહિતના તમામ મેટ્રો શહેરોને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના 14 જિલ્લા, દિલ્હીના તમામ 11 જિલ્લા, તમિળનાડુના 12 જિલ્લા, યુપીના 19 જિલ્લા, પશ્ચિમ બંગાળના 10 જિલ્લા, ગુજરાતમાં 9 જિલ્લા, મધ્યપ્રદેશમાં 9 જિલ્લા અને રાજસ્થાનના 8 જિલ્લાને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતના જિલ્લાની સ્થિતિ
- રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી.
- ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર
- ગ્રીન ઝોન : તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે, મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા