નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે દેશમાં પહેલી વાર મૃતકોની સંખ્યા 3 હજારને પાર જતી રહી છે. મંગળવારે પણ સતત સાતમા દિવસે ભારતમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે અને સતત આઠમા દિવસે મોતનો આંકડો બે હજારથી વધુ રહ્યો છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 48 લાખ 17 હજાર 371 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2,61,162 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 29,78,709 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,01,187 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ 28,27,03,789 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના 24 કલાકમાં 17,23,912 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.