નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંકટને કારણે 21 દિવસનું લોકડાઉન અમલમાં છે. જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાનું છે. પરંતુ દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે તેને ધ્યાને લેતા લાગી રહ્યું છે કે, લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (11 એપ્રિલ) રાતે દેશને સંબોધન કરી શકે છે. જેમાં વડાપ્રધાન લોકડાઉનને વિસ્તૃત જાહેર કરી શકે છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ બે અઠવાડિયા માટે લોકડાઉન વધારવાના સંકેત પણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સ દ્વારા બેઠક યોજી હતી. જેમાં કેટલાક મુખ્યમંત્રીઓએ લોકડાઉન લંબાવવાનો મત રજૂ કર્યો હતો. આ સાથે જ ઓડિશા અને પંજાબ સરકારે તેના રાજ્યોમાં 1 મેં સુધી લોકડાઉન લંબાવી દીધું છે અને માસ્ક પહેરવાનું પણ ફરિજયાત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીઓ સાથે થયેલી ચર્ચા અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવીને વડાપ્રધાન મોદી વહેલી તકે દેશને સંબોધન કરી શકે છે. અગાઉ ચર્ચા હતી કે, વડાપ્રધાન મોદી આ બેઠક બાદ 12 એપ્રિલે દેશને સંબોધન કરી શકે છે. જોકે, વડાપ્રધાન મોદી દ્વારા દેશનું સંબોધન ક્યારે કરવામાં આવશે તેની હાલ સત્તાવર માહિતી સામે આવી નથી. પરંતુ આ બેઠક બાદ દેશવાસીઓ વડાપ્રધાન મોદીની આગામી મુમેન્ટ પર નજર તાકીને બેઠા છે.
અરવિંદ કેરજરીવાલનું ટ્વીટ
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, વડાપ્રધાને લોકડાઉન લંબાવવાનો સાચો નિર્ણય લીધો છે. આજે, ઘણા વિકસિત દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે કારણ કે આપણે વહેલી તકે લોકડાઉન શરૂ કર્યું હતું. જો હવે તેને રોકી દેવામાં આવે તો, અત્યાર સુધી મેળવેલું બધું ધોવાઈ શકે છે. એકીકૃત કરવા માટે, તેને લંબાવવું તે મહત્વપૂર્ણ છે.