મુંબઈ : મહારાષ્ટ્ર ભારતના એક એવા રાજ્યોમાં છે જ્યાં કોરોના વાયરસનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે. અહીં કોરોના વાયરસથી પીડિત 215 લોકો છે. લોકડાઉનને કારણે રાજ્યની તમામ આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. તેની સૌથી વધુ અસર દૂધના ધંધા પર થઈ છે. કારણ કે દૂધ એ એક ત્વરિત ખરાબ થતી વસ્તુ છે.
મહારાષ્ટ્રમાં દરરોજ 2 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. રાજ્યના કોલ્હાપુર, બારામતી અને અકોલા જિલ્લાઓ દૂધ ઉત્પાદનના કેન્દ્રો છે. લોકડાઉનને કારણે તમામ દુકાન, કારખાનાઓ બંધ છે અને દૂધની માંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે. હવે ખેડૂતો પાસે દૈનિક એક કરોડ લિટર દૂધની બચત થઈ રહી છે. તેની સાથે શું કરવું તે ખેડૂતોને સમજાતું નથી.
ખેડુતોનું કહેવું છે કે, દૂધ પાવડર બનાવતી તમામ ફેક્ટરીઓ ઔદ્યોગિક કેન્દ્રોમાં આવેલી છે, આ તમામ ફેક્ટરીઓ લોકડાઉનને કારણે બંધ છે. નોંધનીય છે કે, દૂધ સામાન્ય વાતાવરણમાં થોડા કલાકો સુધી રાખી શકાય છે. મહારાષ્ટ્રમાં તાપમાન પણ દેશના અન્ય વિસ્તારો કરતા વધુ રહે છે.
32 થી 20 રૂપિયામાં મળે છે લિટર દૂધ
દૂધ વેચવાના છેલ્લા આશ્રય તરીકે ખેડૂતોએ દૂધના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. મહારાષ્ટ્રના ખેડૂતો 32 રૂપિયામાં દૂધ વેચતા હતા, હવે તેઓ લિટર દીઠ ભાવ 20 રૂપિયા કરી દીધા છે. જો કે, માંગમાં હજી ખાસ નોંધપાત્ર વધારો થયો નથી
ઘાસચારાનું સંકટ
જો દૂધનો ધંધો થોડા દિવસો માટે આ રીતે જ રહેશે તો ખેડુતોને સૌથી મોટી મુશ્કેલી પશુ ચારાની થશે. દૂધના વેચાણમાં ઘટાડો થતાં તેમની આવકમાં મોટો ઘટાડો થયો છે. આ આવકમાં તેઓએ પોતાનું ઘર ચલાવવું પડે છે અને ગાય ભેંસને ઘાસચારો પણ આપવો પડે છે. ખેડુતોએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આ અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે.