કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વાયરસને કારણે લોકડાઉન 4 માં જાહેરાત કરી છે કે 21 મે પછી કંટેન્મેન્ટ ઝોન સિવાયની તમામ જગ્યાએ મોટા સ્ટોર્સ ખોલવામાં આવશે. 17 મે, રવિવારે લોકડાઉન 4 ની ઘોષણા સાથે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તેમના સ્તરે લોકડાઉન અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે.
લોકડાઉન 4 ના પહેલા જ દિવસે, પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો નિર્ણય લીધો કે 21 મે પછી કંટેન્મેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ મોટા સ્ટોર્સ ખોલવામાં આવશે, અને 27 મેથી ઓટોરિક્ષા સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવશે. જો કે 2 લોકોને ઓટોરીક્ષામાં બેસવાની છૂટ આપવામાં આવશે.
રાજ્ય સરકારો હવે એવી ચીજો ખોલી રહી છે જેને તબક્કાવાર રીતે લોકડાઉનમાં બંધ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, રાજ્યમાં આંતર-જિલ્લા બસ સેવાઓ 21 મેથી ફરી શરૂ થશે.
સલૂન અને પાર્લર ખોલવા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, સલૂન અને પાર્લર સંપૂર્ણ સ્વચ્છતા પછી જ ખોલવા જોઈએ. બંગાળ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સલાહ છતાં પણ રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે નહીં. રાત્રિના કર્ફ્યુ અંતર્ગત લોકોને સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.
તે જ સમયે, રાજ્ય સરકારે પણ કચેરીઓ ખોલવાની જાહેરાત કરી છે અને મમતા બેનર્જીએ કહ્યું હતું કે, સરકારી અને ખાનગી કચેરીઓ એક દિવસના અંતરાલે ખુલશે.