નવી દિલ્હીઃ કોરોના પોતાની ચરમ સીમા ઉપર છે. ત્યારે દેશમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,86,452 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3498 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62,976 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,22,45,179 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે. કોરોનાના વધતા કેસોની વચ્ચે કોવિડ-19થી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થયા છે.
તબીબી સેવાઓ પર ઊભા થયેલા ભારણની વચ્ચે કોરોના દર્દીઓની વધતી સંખ્યા મુશ્કેલીનું કારણ બની ગયું છે. દેશમાં એક્ટિવ કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાના વધતા મામલાઓના કારણે ભારત દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયું છે.
બીજી તરફ, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 53 લાખ 84 હજાર 418 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2,97,540 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 31,70,228 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,08,330 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ 28,63,92,086 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરુવારના 24 કલાકમાં 19,20,107 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.