નવી દિલ્હી : કોરોનાથી મરી ગયેલા લોકોના આંકડામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 357 લોકો કોરોના સામેની લડાઈમાં હાર્યા. 11 જૂન, ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ છેલ્લા 24 કલાકમાં 9 હજાર 996 નવા કેસ નોંધાયા છે. દેશમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 લાખ 86 હજાર 579 થઈ ગઈ છે.
આ જીવલેણ રોગને કારણે અત્યાર સુધીમાં 8 હજાર 102 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત છે કે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 1 લાખ 41 હજારથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 37 હજાર 448 છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ કેસ છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા 94 હજારને વટાવી ગઈ છે. આમાંથી 3438 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં 46 હજારથી વધુ સક્રિય કેસ છે. તામિલનાડુ બીજા નંબરે છે, જ્યાં દર્દીઓની કુલ સંખ્યા આશરે 37 હજાર છે અને 326 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 17 હજારથી વધુ સક્રિય કેસ છે.